________________
સ્તવનાની ચોથી કડી
૧ વર્ષાબુન્દ સમુન્દ સમાની
સંસાર અને મોક્ષની સરળ વ્યાખ્યા મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે આપી :
ક્લેશ વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર... મનમાં રાગ, દ્વેષ અને અહંકારનું તોફાન ઘનીભૂત રીતે હોવું તે સંસાર. એ ન હોય તે સ્થિતિ તે મોક્ષ.
મોહનીય આદિ કર્મોના વિલય વડે મુક્તિની આ ભોમકા મળે. આ થઈ સિદ્ધાવસ્થાની વાત. સાધકના અંદાજમાં આ વાતને ઢાળતાં પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજે કહ્યું (અષ્ટ પ્રવચન માતાની સક્ઝાયમાં) :
મોહ ઉદયે અમોહી એહવા, શુદ્ધ નિજ સાધ્ય લયલીન રે...
મોહનો ઉદય ચાલતો હોય અને મુનિ હોય નિર્મોહી. એ વખતે ઉદયાધીન સ્થિતિમાં તેઓ નથી. ઉદય કર્મનો ચાલ્યા કરે, સાધક એમાં ભળે નહિ. તો સાધક ક્લેશોને પાર ! - જીવન્મુક્ત દશાના વર્ણનમાં આવે છે : “ના પ્રત્યાત્મનિ તે નિત્યમ્...' આત્મભાવમાં સતત જાગૃત હોય છે જીવન્મુક્ત સાધક. બની શકે કે અશાતા વેદનીયનો ઉદય ચાલી રહ્યો હોય, પણ એ તો શરીરના સ્તર પર. સાધકની આન્તર દશા તો આથી બિલકુલ અલિપ્ત છે.