________________
- સ્તવનાની ત્રીજી કડી
ઇ તુમ મિટો તો મિલના હોય!
પંચાસ્તિકાયમય છે આ લોક : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય.
આ પાંચ દ્રવ્ય સપ્રદેશ છે, એટલે અસ્તિકાય કહેવાય છે. કાળ દ્રવ્ય અપ્રદેશ છે. કુલ દ્રવ્ય છે, અસ્તિકાય પાંચ.
સાધનાના સન્દર્ભમાં કાળને જોઈએ ત્યારે આપણી પરંપરાનો મૂલ્યવાન શબ્દ યાદ આવેઃ વર્તમાન યોગ.
મુનિરાજ વહોરીને ઉપાશ્રય ભણી જતા હોય અને કોઈ શ્રાવક ભક્તિથી કહે કે, સાહેબજી ! મારે ત્યાં પધારી ! મને લાભ આપો ! ત્યારે મુનિરાજ કહેશે : વર્તમાન યોગ. એટલે કે મને માત્ર વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. હું થોડીવાર પછી તમારે ત્યાં આવીશ એવું વચન હું તમને ન આપી શકું. એ સમયે ખપ જેવું લાગે તો આવી શકું. ખપ જેવું ન લાગે તો ન આવું.
સાધનાના સન્દર્ભમાં માત્ર વર્તમાન એક ક્ષણનું જ મૂલ્ય છે. અતીત કાળ ગયો, ભવિષ્ય કાળ આવવાનો છે; સાધક સામે છે માત્ર વર્તમાનની એક ક્ષણ. જે ક્ષણને એણે ઉદાસીનભાવ વડે ભરી દેવાની છે. - સાધના કેટલી તો સરળ છે !