________________
તારનારો તું હિ કિમ પ્રભુ, હૃદયમાં ધરી લોક રે; ભવસમુદ્રમાં તું જ તારે, એ તુજ અભિધા ફોક રે.... નીરમાં કૃતિ દેખી તરતી, જાણીયું મેં સ્વામ રે; તે અનિલ અનુભાવ જિમ તિમ, ભવિક તાહરે નામ રે...
પ્રભુ ! તું તારનાર કઈ રીતે ? તને હૃદયમાં ધારણ કરીને લોકો તરે છે; તો તમે એમને તારેલ શી રીતે કહેવાય ?
જવાબ પોતે જ આપે છે ઃ દરિયા-કાંઠે મેં મશક(કૃતિ)ને તરતી જોઈ. કો'કને પૂછ્યું : આ મશક તરે છે કઈ રીતે ? ડૂબી કેમ જતી નથી ? પેલાએ કહ્યું : મશકમાં હવા ભરેલી છે માટે તરે છે. હવા ન હોય તો તે ન તરે, ડૂબી જાય... કવિ કહે છે : આ પ્રત્યુત્તરથી મને પોતાને જવાબ મળી ગયો. મશકમાં હવા હોય છે અને એ તરે છે, માટે હંવા મશકને તારે છે એમ કહેવાય; એ રીતે પ્રભુને, પ્રભુના નામ સ્મરણને હૃદયમાં ધારણ કરીને ભક્તો તરે છે માટે પ્રભુએ જ તાર્યા કહેવાયને !
‘ધારણ પોષણ તારણો રે...’
એકવાર બ્રાહ્મણવાડા તીર્થ (રાજસ્થાન)માં પૂજ્યપાદ સાધનામનીષી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ, પૂજ્યપાદ અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્યપાદ વિર્ય મુનિરાજ શ્રી જમ્બવિજયજી મહારાજ સાહેબ મળેલા. આપણા યુગના ત્રણે દિગ્ગજ સાધનાચાર્યો. પ્રવચનમાં એક ભક્તે પૂછ્યું કે પ્રભુ કઈ રીતે ભક્તને ઊંચકે છે ? ત્યારે પૂજ્યપાદ પંન્યાસજી ભગવંતે પૂજ્યપાદ આનન્દઘનજી મહારાજની નેમિજિન સ્તવનાની આ કડી ઉદ્ધૃત કરેલી : ‘ધારણ પોષણ તારણો રે...’ પ્રભુ ધારક છે. દુર્ગતિમાં જતા આપણને રોકનાર તેઓ જ છે. ‘ઈતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો...' પ્રભુ પોષક અને તારક છે. ગુણોથી આપણને પ્રભુ પુષ્ટ કરે. ભવસાગરને પેલે પાર પ્રભુ આપણને લઈ જાય. પ્રગટ્યો પૂરન રાગ
૫૩