________________
પૂર્ણ રાગની, ભક્તિની આ ભૂમિકાએ ધ્યાતાની ચેતના ધ્યેયમાં વિલીન થવા લાગે છે. વિલીનીકરણની આ પ્રક્રિયાનો ઈશારો પરમતારક શ્રી શીતલનાથ પ્રભુની સ્તવનામાં મહો. યશોવિજયજી મહારાજે આ રીતે આપ્યો છે: “જ્યોતિ સે જ્યોત મિલત જબ ધ્યાવે, હોવત નહિ તબ ન્યારા...”
સરસ વાત કહેવાઈ. “જ્યોતિ સે જ્યોત મિલત જબ ધ્યાવે...' જ્યોતિર્મય પરમાત્માનું ધ્યાન કઈ રીતે થશે ? શબ્દ પૌદ્ગલિક ઘટના છે, વિચારો પણ પૌદ્ગલિક ઘટના છે. પૌદ્ગલિક ઘટના એટલે અજયોતિર્મય ઘટના. અનુભૂતિ તે જ જ્યોતિર્મય ઘટના.
અનન્ત જ્ઞાનમય પરમાત્મા. તેમના જ્ઞાનગુણનું શાબ્દિક સ્તવન નહિ, માનસિક અનુપ્રેક્ષા નહિ; ભીતર એ જ્ઞાનની અનુભૂતિ. વીતરાગતા સહિતનું જ્ઞાન પ્રભુની પાસે છે. સાધક એવા જ્ઞાનને મેળવવા - અનુભવવા ઇચ્છશે, જેમાં રાગ, દ્વેષ, અહંકારની માત્રા બહુ જ ઓછી હોય. એટલે કે સાધક પોતાના જ્ઞાનને જ્યોતિર્મય બનાવવા યતશે. અને એ ક્ષણોમાં એની પારદર્શી, નિર્મળ ચેતના ધ્યેયમાં વિલીન થશે એમ કહો, અથવા તો એમ કહો કે એ નિર્મળ ચેતનામાં પ્રભુ-ગુણનું પ્રતિબિમ્બન પડશે.
ધ્યાતા ધ્યેય ભયે દોઉ એકહુ, મિટ્યો ભેદ કો ભાગ; કૂલ વિદારી ચલે જબ સરિતા, તબ નહિ રહત તડાગ...” ધ્યાતા અને ધ્યેય બેઉ થયા એક. હવે ક્યાં ભેદ રહ્યો ? ઉદાહરણ આપે છેઃ કાંઠાને (બંધને) તોડીને નદી જ્યારે રેલાય, ફેલાય ત્યારે સરોવર ક્યાં રહ્યું ? પહેલાં સરોવર અલગ હતું, કાંઠા અલગ હતા. હવે બધું થયું એકાકાર.
આ એકાકારતાની અનુભૂતિની પૃષ્ઠભૂ પર બીજી કડી આવે છે : રાજુલનારી રે સારી મતિ ધરી, અવલંડ્યા અરિહંતો જી, ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધે આનન્દ અનન્હો જી...ર.
પ્રગટ્યો પૂરન રાગ
૪૯