________________
નગરીની બહાર મોટા શમિયાણા બંધાયા છે; પરંતુ એક પણ સાધ્વીજીના મનમાં જાણવાની ઇચ્છા નથી થતી કે આ બધી ચહલપહલ શાના માટે છે ? તેઓ જાણે છે કે આ પરની દુનિયા છે. અને ત્યાં જે કંઈ બની રહ્યું હોય તેની જોડે પોતાને કોઈ જ સંબંધ નથી.
આ પરમ ઉદાસીનભાવ આવા સાધકની નજીક આવનાર વ્યક્તિત્વોમાં કેવી રીતે સંક્રાન્ત થાય છે એની મનોહર ઘટના હવે ઘટે છે.
સ્વયંવર મંડપમાં જવા માટે નીકળેલ રાજકુમારી પોતાની સખીઓ સાથે ઉપાશ્રયે આવે છે. સખીઓ કહે છે કે, આજે બહેનબાનો સ્વયંવર ઉત્સવ છે. આજે તેમનાં લગ્ન થશે.
ઔદાસીન્યમાં ડૂબેલ વડીલ સાધ્વીજીએ કહ્યું : પરની દુનિયામાં અનન્ત જન્મોથી પ્રવાસ થતો જ આવ્યો છે. આ જન્મ તો માત્ર ને માત્ર સ્વની દુનિયામાં જવા માટે જ છે. - આ વચનો રાજકુમારી પ્રભંજનાના હૃદયે એવી રીતે ઝીલ્યા; જાણે કે સ્વાતિ નક્ષત્રમાં છીપમાં ધરાયેલ જળબિન્દુ, કે સ્વની દુનિયામાં વિહરવાનું તેમનું ચાલું થઈ ગયું. ત્યાં જ શુક્લધ્યાનની ધારા શરૂ થઈ અને કૈવલ્યની પ્રાપ્તિ.
- સમાધિશતક જાગૃતિની મઝાની વ્યાખ્યા આપે છે : “સોવત હૈ નિજ ભાવ મેં, જાગે તે વ્યવહાર.”
સ્વભાવની દુનિયામાં જે જાગૃત નથી, સૂતેલ છે; તેય ક્રિયા કરી રહ્યો છે. - ખાવા, પીવા આદિની - માટે તેને જાગતો કહેવો એ વ્યવહારની ભાષા છે. આ જાગૃતિ શા કામની ?
લોકકથામાં એક સરસ પ્રસંગ આવે છે. શેઠ સૂતા છે. શેઠાણી સહેજ જાગે છે અને અવાજ આવે છે. ધ્યાનથી સાંભળતાં લાગ્યું કે ચોરો ભીંતને ખોદીને અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રગટ્યો પૂરન રાગ