________________
આનન્દ નામની સંઘટનાનો કોઈ અનુભવ નહિ. અને ત્યારે મનમાં કલ્પનાનું જાળું એવી રીતે રચાયું, જેણે રતિભાવના ઉચ્ચ બિન્દુને આનન્દ નામ આપ્યું.
ખરેખરી આનન્દની અનુભૂતિ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે રતિને અને આનન્દને કોઈ સંબંધ નથી. રતિ સંયોગજન્ય ઘટના છે. આનન્દ અસંયોગજન્ય ઘટના છે. સ્વના સંયોગને અસંયોગ ગણ્યો છે, એટલે ગુણાનુભૂતિ દ્વારા નીપજતો આનન્દ એ જ વાસ્તવિક આનન્દ છે. રતિભાવ સાથે એને સ્નાન-સૂતકનોયનાહવા-નીચોવવાનોય સંબંધ નથી!
અનુભૂતિ સ્મરણમાં અને સ્મરણ ઝંખનામાં ફેરવાય. ગુણસાગરના જીવનમાં આ ઘટના આપણને દેખાય છે. એ શ્રેષ્ઠિપુત્ર એક મુનિરાજને જુએ છે. અને જોતાં જ તેમને થાય છે કે આવું તો ક્યાંક અનુભવેલું છે.. આ તો પરિચિત, પરિચિત લાગે છે. જાતિસ્મરણ જ્ઞાન દ્વારા પૂર્વાનુભૂત મુનિજીવનનું સ્મરણ થાય છે, અને એ સ્મરણ મુનિજીવનને મેળવવાની પ્રબળ ઝંખનામાં ફેરવાય છે.
માત-પિતાની અનુમતિ તેમણે માગી : સંયમ-સ્વીકાર માટે. છેલ્લે એક શરતે માત-પિતા તૈયાર થયા : સગપણ જેમની સાથે થયું છે એ આઠ કન્યાઓ જોડે લગ્ન તો કરવા જ પડશે... લગ્ન પછી અમો ના નહિ પાડીએ. માતા-પિતાના મનમાં એમ હતું કે લગ્ન પછી આ નવવધૂઓ જ દીકરાને મોહપાશમાં જકડી રાખશે.
લગ્નનો વરઘોડો નીકળ્યો. ગુણસાગરના હૃદયમાં તો આવતીકાલે થનાર પોતાની દીક્ષાના વિચારો ઘુમરાઈ રહ્યા છે : “શ્રુત ભણશું સુખકારી રે..” સદ્ગુરુના વરદ હસ્તે દીક્ષા. અને પછી તો જ્ઞાન, ધ્યાન, ભક્તિ, વૈયાવચ્ચનો આનંદ.
૧૮
પ્રગટ્યો પૂરન રાગ