________________
સ્તવનાની પહેલી કડી
૨ પ્રબળ ઝંખનાથી સ્વરૂપ પ્રાપ્તિ સુધી
નેમિ જિનેસર નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવો જી; આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવો જી...૧
રાગ, દ્વેષ આદિ સર્વ વિભાવોને છોડીને સ્વરૂપસ્થિતિમાં 'સ્થિત થવા રૂપ નિજ કાર્ય નેમિનાથ પ્રભુએ કર્યું. આત્માની જ્ઞાનાદિ શક્તિઓને પ્રકટ કરી તેઓએ પોતાના સ્વરૂપ દશાના પૂર્ણ આનન્દને માણ્યો.
પ્રભુની સ્તુતિ રૂપે કડી મઝાથી ખૂલી. એને સાધકના સ્તર તરફ ખોલવાની પણ કોશિશ કરીએ.
સાધકનું લક્ષ્ય નક્કી છેઃ સ્વરૂપસ્થિતિને પામવી. બહુ પહેલેથી આ નિર્ધાર સ્પષ્ટ થયેલો છે. પૂ. દેવચન્દ્રજી મહારાજ અષ્ટપ્રવચન માતાની સઝાયમાં કહે છે :
સમકિત ગુણઠાણે કર્યો, સાધ્ય અયોગિભાવ સલુણા; ઉપાદાનતા તેહની, ગુણિરૂપ સ્થિરભાવ સલુણા.
સમ્યગ્દર્શન મળતાં ધ્યેય સ્પષ્ટ થઈ ગયું. અયોગિભાવસ્વરૂપસ્થિતિ પ્રાપ્ત કરવાની છે. એ માટે સાધન કયું? ગુપ્તિ રૂપી સ્થિરભાવ એ એના માટેનું સાધન છે.