________________
છે. ઇંગિત ભક્તહૃદયનું આ છે : પ્રભુ ! મને એવો તમારામાં લીન કરી દો કે હું દુઃખથી સહેજ પણ સ્પર્શાયેલ ન હોઉં.
બહાર ભટકતા મારા મનને, પ્રભુ તમારામાં - તમારા ગુણોમાં સ્થિર કરી દો.
યા તો મારા બહાર ભટકતા મનને તમે લઈ લો, ભગવાન ! અથવા તો મારા હૃદયમાં આપ આવી જાવ, જેથી એ મનનો પ્રભાવ રહે જ નહિ.
મને ખ્યાલ છે, પ્રભુ ! કે તમે મારા મનને છૂ કરવા કેટકેટલું કર્યું છે ! તમારું રૂપ મનોહર. મનને હરી લે તેવું... રૂપની છેલ્લી સરહદ તમે. મન એમાં ડૂબી જાય તો એ બહાર ક્યાંય જઈ જ ન શકે.
સદ્ગુરુને પણ આપે મોકલ્યા, મારા મનને છીનવવા માટે.
શ્રીકૃષ્ણ અને અર્જુન ભારતીય પરંપરાના ગુરુ-શિષ્યભાવના શ્રેષ્ઠ પ્રતીકો. શ્રીકૃષ્ણ : મનને ખેંચી લે તે કૃષ્ણ. પણ ખાટલે મોટી ખોટ મારી બાજુ રહી. હું અર્જુન ન બની શક્યો. ઋજુ-ઋજુ, સરળ હોય તે અર્જુન. મારી સરળતા શરણાગતિ સુધી લંબાય, સમર્પિતતામાં પરિણમે તો ગુરુ કૃષ્ણ બની જ રહે.
તમે તો પ્રભુ ! બેઉ રીતે તૈયાર છો. મારા મનને લઈ લેવા માટે પણ. મારા હૃદયમાં આવવા માટે પણ.
આપ અખિલ બ્રહ્માંડેશ્વર. હું તો સાવ નાનકડો માણસ. અને તોય આપ મારા હૃદયાંગણે આવવા તૈયાર !
પણ ત્યાંય ત્રુટિ મારી છે. હું હૃદયનું સિંહાસન ખાલી નથી કરતો... જરૂર, અયોગ્ય છું, પણ તારું જ બાળ છુંને,
પ્રગટ્યો પૂરવ રાગ