________________
વિરાજમાન છે, તે, અવર્ણનીય મહાતેજ-સ્વરૂપ આપને નમસ્કાર હો ! (પર૦) ટિપ્પણ :
છેક શ્લોક ૪૮૨થી શરૂ થયેલું શિષ્યનું આત્મસંભાષણ આ શ્લોક સાથે, પૂરું થાય છે.
આ ૩૯ શ્લોકોના પોતાનાં સુદીર્ઘ સંભાષણમાં, શિષ્ય, પોતાની સંપૂર્ણતઃ પરિવર્તિત પ્રવર્તમાન બ્રહ્માત્મભાવસિદ્ધ પરિસ્થિતિનું અનેક-રૂપે અને અનેક-રીતે, સવિસ્તર વર્ણન કર્યું, અને સમાપ્તિએ પહોંચતાં પહેલાંના, આનંદ અને આશ્ચર્યની પરાકાષ્ઠા-રૂપ તબક્કામાં, તો, પોતાનાં તે આત્મસ્વરૂપમાં, તે જાણે એવો ખોવાઈ ગયો, એવો તન્મય-તરૂપ બની રહ્યો કે તેને કશું ભાન જ ન રહ્યું ! છેલ્લા થોડા શ્લોકોમાં તો, પરમ આનંદની અભિવ્યક્તિની ચરમસીમા દરમિયાન, તેની પરિસ્થિતિ આનંદના અતિરેકના પ્રબળ પ્રભાવ હેઠળ, એવી અસામાન્ય બની ગઈ હતી કે તે, પોતાનાં ઉચ્ચારણ-ઉદ્ગારણમાં અત્યંત અવ્યવસ્થિત બની ગયો હતો, - એટલે સુધી કે આ સંભાષણને હવે ક્યાં-ક્યારે-કેવી રીતે સમાપ્ત કરવું, તેનો, તેને કશો ખ્યાલ જ ન રહ્યો !
સદ્ભાગ્યે, તેને પોતાના ગુરુદેવની દિવ્ય-કૃપાનાં ઋણનું સ્મરણ થયું, તેમના પ્રત્યે પોતાની સંનિષ્ઠ કૃતજ્ઞતા તેણે વ્યક્ત કરી અને તેમને પુનઃ-પુનઃ, પુનરપિ પુનઃ, અત્યંત નમ્રતાપૂર્વક તેણે નમસ્કાર કર્યા.
તેના આ નમસ્કારોમાં તેનાં બે સ્વરૂપો સ્પષ્ટ રીતે ઉપસી આવે છે : એક તો, એ કે ભલે એવા કોઈ સ્પષ્ટ શબ્દો ક્યાંય પ્રયોજાયાં નથી, તે છતાં, કેટલાક ભાષ્યકારો નોંધે છે તેમ, તેણે પોતાના ગુરુદેવને આ રીતે ‘સાષ્ટાંગ’ નમસ્કાર કર્યા હશે !
दोर्भ्यां पद्भ्यां च जानुभ्यां शिरसा उरसा दृशा । मनसा वचसा च इति प्रणामः अष्टांगः उच्यते ॥
આવા પ્રણામમાંનાં આઠ અંગો, તે આ પ્રમાણે : (૧) બે બાહુ, (૨) બે પગ, (૩) બંને ઢીંચણ, (૪) મસ્તક, (૫) છાતી, (૬) આંખ, (૭) મન, અને (૮) વાણી.
અને બીજી વાત એ કે તે, આવા સાષ્ટાંગ પ્રણામ પછી, સંપૂર્ણરીતે પોતાના પૂજ્ય ગુરુદેવને સમર્પિત (Dedicated) થઈ ગયો ! ભક્તિ (Devotion) તો હતી જ, હવે એમાં સમર્પણભાવ (Dedication) પણ ભળી ગયો !
અને એને તો મનમાં કશાં સંતોષ-સમાધાન જ થતાં ન્હોતાં કે કેવા-કેટલા નમસ્કાર કરવામાં આવે તો આવાં ઔદાર્ય અને આભિજાત્યનાં મૂર્તિમંત સ્વરૂપ એવા ગુરુદેવનાં ઋણમાંથી તે મુક્ત થયો ગણાય !
વિવેકચૂડામણિ / ૧૦૩૭