________________
૭૫
દેશ, કાળ, અને વસ્તુથી પરિચ્છિન્ન હોવાથી મિથ્યા છે આવો નિશ્ચય વિવેક કહેવાય છે.
નિત્ય અને અનિત્ય વસ્તુના વિવેકના સંદર્ભમાં આપણે ત્રણ મુદ્દાનો વિચા૨ કર્યો. (૧) ત્રણે કાળે હોય તે નિત્ય કહેવાય અને જે ત્રણે કાળે ન હોય તે અનિત્ય કહેવાય. (૨) કોઈ પણ કાળે જેનો અભાવ ન હોય તે નિત્ય કહેવાય અને જેનો કોઈ પણ કાળે અભાવ જાણવામાં આવે તેને અનિત્ય કહેવાય. (૩) જે દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન હોય તે નિત્ય કે સત્ય કહેવાય, અને જે દેશ, કાળ અને વસ્તુથી પરિચ્છિન્ન હોય તે અનિત્ય કહેવાય.
આ પ્રમાણે વિચાર કરીને, બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એવો જે વિચા૨પૂર્વકનો નિશ્ચય તેને વિવેક કહેવાય છે. આવો વિવેક પ્રાપ્ત થાય ત્યારબાદ આપણે નક્કી કરી શકીએ કે આપણે શું જોઈએ છે. પહેલાં હતું અને રહેવાવાળું છે એવું અવિનાશી બ્રહ્મ જોઈએ કે વિનાશી જગત જોઈએ છે? વિવેકપૂર્વક આપણે નક્કી કરવાનું છે કે આપણે વિનાશી દેહ છીએ, એવું સમજવું છે કે અજર, અમર, આત્મતત્ત્વ છીએ એવું સમજવું છે? આવા નિર્ણયો આપણે તો જ લઈ શકીએ જો આપણી પાસે વિવેક હોય. વિવેક ન હોય તો, કોનો ત્યાગ કરવો અને કોનું ગ્રહણ કરવું? કોની પાછળ જવું અને કોની પાછળની દોટ બંધ કરવી? તેનો નિર્ણય થઈ શકે નહીં. વિવેકના અભાવમાં આપણે સત વસ્તુનો રસ્તો છોડીને, અસત અને અનિત્યની પાછળ દોટ શરૂ કરી છે. વિવેક પ્રાપ્ત થાય તો, જડ અને અનિત્ય પદાર્થો તરફથી દોટ થંભાવીને, નિત્ય અને અવિનાશી એવા આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ થઈ શકીએ. ‘વિવેક’ અધિકા૨ીનો મુખ્ય આધાર છે, મુમુક્ષાનો મૂળભૂત પાયો છે, અને સાધકનું સૌથી મહત્ત્વનું સાધન છે.
(છંદ-અનુષ્ટુપ)
तद् वैराग्यं जिहासा या दर्शनश्रवणादिभिः ॥२१॥ देहादिब्रह्मपर्यन्ते ह्यनित्ये भोग्यवस्तुनि ।