________________
૭૩
દેશમાં રહેનારું હોવાથી શરીર દેશમાં બદ્ધ છે, દેશથી પરિચ્છિન્ન છે એવું કહેવાય. તેવી જ રીતે જે જે જન્મેલું છે, જેને નામ અને આકાર છે તેવી દરેક વસ્તુ દેશથી પરિચ્છિન્ન છે. આત્મા કે બ્રહ્મનો જન્મ નથી, જન્મ નથી માટે આકાર નથી, બ્રહ્મનો આકાર નથી માટે તે નિરાકાર છે. જેમ નિરાકાર હોવાથી આકાશ સર્વવ્યાપ્ત છે તેમ બ્રહ્મ પણ નિરાકાર હોવાથી સર્વત્ર રહેલું છે. કોઈ દેશ એવો નથી જ્યાં બ્રહ્મ ન હોય, માટે બ્રહ્મને દેશની સીમા સીમિત કરી શકે નહીં. બ્રહ્મ દેશથી પરિચ્છિન્ન નથી પણ અપરિચ્છિન્ન છે. જગતના પદાર્થો એક કાળે જન્મે છે અને અમુક કાળ પછી નાશ પામે છે. આપણું શરીર પણ કાળમાં આવવાવાળું અને કાળમાં નષ્ટ પામવાવાળું હોવાથી કાળથી પરિચ્છિન્ન છે. બ્રહ્મ અજન્મા અને અવિનાશી છે, અનાદિ અને અનંત છે માટે બ્રહ્મ કાળથી પણ અપરિચ્છિન્ન છે.
બ્રહ્મની વસ્તુથી અપરિચ્છિન્નતા સમજવા માટે વિચાર કરીએ કે જગતમાં જેટલી વસ્તુઓ છે તેમાં ભેદ અને અનેકતા છે. દા.ત. ટેબલમાં લાકડાનું ટેબલ, લોખંડનું ટેબલ, એલ્યુમિનિયમનું ટેબલ, ચાર પાયાવાળું ટેબલ, ત્રણ પાયાવાળું ટેબલ; આવા અનેક પ્રકારના ભેદ છે. ટેબલ વસ્તુ છે માટે તેમાં ભેદ છે, અનેકતા છે. તેવી જ રીતે જેટલી વસ્તુઓ છે તેમાં ત્રણ પ્રકારના ભેદ હોય છે; સ્વગતભેદ, સજાતીયભેદ, અને વિજાતીયભેદ.
સ્વગતભેદ સ્વગતભેદ એટલે વસ્તુની અંદર રહેલો ભેદ. પોતાના અવયવો સાથેનો ભેદ. વસ્તુની અંદર જ રહેલાં, વસ્તુના અવયવો સાથેના વસ્તુના ભેદને, સ્વગતભેદ કહેવાય છે. હાથ, પગ, ઈન્દ્રિયો વગેરે શરીરના અવયવો છે. આ અવયવો શરીરની અંદર જ રહેલાં હોવાથી શરીરનાં અંતર્ગત ભેદ છે. હાથ પગ વગેરે પોતાના જ અવયવો સાથેના શરીરના ભેદને સ્વગતભેદ કહેવાય. વૃક્ષના મૂળ, થડ, ડાળાં, પાંદડાં, ફ્લ, ફૂલ વગેરે વૃક્ષમાં જ આવેલાં હોવા છતાં વૃક્ષના ભેદરૂપ છે. માટે મૂળ, થડ વગેરે સાથેના વૃક્ષના ભેદને સ્વગતભેદ કહેવાય.