________________
૬૭૩
તે ન તો અહંકારી થાય છે કે અહંકારના બળે પોતાને કર્તા કે ભોક્તા માને છે. આવા અહંકારથી છૂટેલા જ્ઞાનીમાં હું સકામ કર્મનો કર્તા નથી પરંતુ નિષ્કામ કર્મવાળો છું” તેવી ભ્રાંતિ તો નથી જ, પણ સાથે સાથે “હું કર્મત્યાગી સંન્યાસી છું, એવી સૂક્ષ્મ ભાવનાનો પણ અભાવ છે. તાત્પર્યમાં હું સંન્યાસી છું , ત્યાગી છું , ધ્યાની છું , સમાધિસંયુક્ત છું, અરે ! હું જ્ઞાની છું” તેવું જ્ઞાનનું પણ તેને અભિમાન હોતું નથી. એટલે કે જ્ઞાનમાં પણ તે અહંકાર, આત્મભાવ કે તાદાત્મ કરતો નથી. આવી રીતે નથી અહંભાવ તેને જ્ઞાન, ત્યાગ, સમાધિ કે ધ્યાન જેવી ઉપાધિઓમાં કે નથી દેહસૌંદર્યમાં, અહંકારની સત્તામાં, બુદ્ધિની વિદ્વત્તામાં, મનના સુખવૈભવમાં કે બાહુબળમાં. તાત્પર્યમાં, દેહાદિ કે તેનું સૌંદર્ય, બુદ્ધિ આદિનો વૈભવ, અહંકારની સત્તા, મનની શાંત સ્થિતિ જેવી કોઈ પણ ઉપાધિમાં જેમને અહંભાવ નથી અને તેથી પોતાને જે નિરુપાધિક નિઃસંગ, નિર્લેપ પરબ્રહ્મ તરીકે જાણે છે તેઓ જ્ઞાનની પરમ અવધિને પ્રાપ્ત છે. આ જ આત્મબોધનું ઉત્કૃષ્ટ શિખર છે, મુક્તિની અસીમ સીમા છે.
ચિત્તની વૃત્તિઓની જ્યારે આત્યંતિક નિવૃત્તિ થાય છે ત્યારે તેવી બ્રહ્મમાં લીન થયેલી વૃત્તિઓનો કદાપિ પુનઃ ઉદય થતો નથી અર્થાત્ તેવા ચિત્તમાં કોઈ પણ કાર્ય માટે, કોઈ પણ ફળ માટે, કોઈ પણ પ્રકારના ભોગ માટે અગર કોઈ પણ પ્રકારના ગ્રહણની કે ત્યાગની અપેક્ષા, આકાંક્ષા કે સંકલ્પ ઊઠતો નથી કારણ કે વૃત્તિવિહીન કે વૃત્તિશૂન્ય થયેલું ચિત્ત વાસ્તવમાં ચિત્ત જ હોતું નથી પરંતુ ચૈતન્યમય બની જાય છે.તેથી વૃત્તિ કે વિચારશૂન્ય ચિત્તમાં ન હોય કોઈ પ્રવૃત્તિ, પ્રકૃતિ, પ્રક્રિયા કે સંલ્પવિકલ્પ. આવી વૃત્તિશૂન્ય અવસ્થાને ઉપરતિની અનંત મર્યાદા કે પરમ અવધિ અથવા પરાકાષ્ઠા કહેવાય છે.
જેને વૈરાગ્યની, જ્ઞાનની અને ઉપરતિની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય, તે ત્રણે લોકમાં પૂજનીય ગણાય છે. બાકી તો કહેવા અને લખવા માટે જ પૂજય હોય છે.