________________
૫૦
જેના જીવનનો દૃઢનિશ્ચય હોય કે ધર્મ, અર્થ અને કામમાંથી કંઈ પ્રાપ્ત કરવું નથી, માત્ર મોક્ષ જ જોઈએ છે તેને સર્વ કર્મના ત્યાગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. વળી, આવો નિર્ણય વિદ્વત્તાપૂર્વક અને વિવેકપૂર્વક લેવાયેલો હોવો જોઈએ. જો સ્મશાન વૈરાગ્યથી પ્રેરાઈને કે આવેશમાં આવી જઈને આવો નિર્ણય લીધો હશે તો તે ચિરસ્થાયી નહીં હોય, માટે બૌદ્ધિક સમાધાન દ્વારા જ આવા નિર્ણય પર આવવું જોઈએ. આવા દઢ નિશ્ચયવાળો વિદ્વાન કે જેને કેવળ આત્મચિંતન જ કરવું છે તેણે સર્વ કર્મોનો ત્યાગ કરવો જોઈએ, એવું અત્રે કહેવામાં આવ્યું છે. બધા માટે કર્મ છોડવાની વાત નથી કારણ કે માત્ર કર્મ છોડવાથી મોક્ષ પ્રાપ્તિ થઈ જતી નથી.
ઘરબાર છોડીને પેટ માટે રખડનારાઓનો આપણા દેશમાં તોટો નથી, એવા તો કેટલાય હિમાલયમાં રખડતા હોય છે. તેઓ સંસારમાં રખડે કે હિમાલયમાં રખડે, તેથી કશો ફરક પડતો નથી. પૂર્વે તોફાની હોય, બહુ પ્રવૃત્તિ કરનારો હોય અને પછી કદાચ હિમાલયની ગુફામાં ચુપચાપ બેસી રહેનારો થાય, પરંતુ તેથી શું થયું? પહેલા એ મૂર્ખ હતો, હિમાલયમાં જઈને એ શાંતમૂર્ખ બન્યો, પરંતુ મૂર્ખતા ગઈ નથી. જો મૂર્ખતા જવાની ન હોય તો સ્થળની બદલી કરવાથી કે કર્મ છોડવાથી કંઈ ફાયદો થાય નહીં. જેનું મન આત્મવિચાર કે આત્મચિંતનમાં તત્પર થઈ શકે તેવું ન હોય, તેણે તો ક્યાંય ગયા વિના, કર્મ કરતાં કરતાં જ આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. અધિકાર ન હોવા છતાં કોઈ કર્મત્યાગનો પ્રયત્ન કરશે તો ખૂબ દુઃખી થવું પડશે, ખૂબ પસ્તાવું પડશે, એટલા માટે જ સંતો, જ્ઞાનીઓ કહેતા હોય છે કે, “જ્યાં છો ત્યાં રહીને જ પ્રયત્ન કરો.” મનની અંદર કર્મનો સુષુપ્ત જવાળામુખી પડ્યો હોય, “આ કરવું છે, તે કરવું છે, આ સિદ્ધ કરવું છે પછી પેલું પ્રાપ્ત કરવું છે. આવી બધી અનેક વાસનાઓ પડી હોય, અને છતાં ક્યાંક ચાલ્યા જઈએ તો બે-પાંચ અઠવાડિયાથી વધુ ત્યાં રહેવાશે નહીં. આપણે જીવનનાં અનેક પ્રશ્નોથી કે રોજીંદા યાંત્રિક જીવનથી જ્યારે કંટાળી જઈએ છીએ, ત્યારે તેનાથી છૂટવા, થોડા દિવસ માટે ક્યાંક બહાર