________________
૪૮
પ્રતિષ્ઠાના પુષ્પને બદલે અપમાનના હાર મળ્યા, પ્રતિકૂળ સંજોગો પ્રાપ્ત થયા.” આવા વિચારો કરનારું મન, પોતાને પરતંત્ર જાણી માને છે કે “બંધનમાં છું.” ટૂંકમાં, જીવનમાં અનેક પ્રશ્નો, સમસ્યાઓ મન જ પેદા કરે છે માટે મન જ બંધનનું કારણ છે. કહ્યું પણ છે કે,
મન ઇવ મનુષ્કા શર વન્યમોક્ષયોઃ ”
મન જ મનુષ્યોના બંધન અને મુક્તિનું કારણ છે.” મનને બંધન છે કારણ કે તેને જગતના વિષયોમાં આસક્તિ છે, જગતની વ્યક્તિઓમાં આકર્ષણ છે, અનુકૂળ પરિસ્થિતિઓને બદલવાની અપેક્ષા છે. પરંતુ જો મનને જગતના કોઈ વિષયમાં આસક્તિ ન હોય, જગતની કોઈ વ્યક્તિમાં આકર્ષણ ન હોય, જગતની પરિસ્થિતિઓને બદલવાની અપેક્ષા કે આકાંક્ષા ન હોય તો દુઃખ નામની વસ્તુ છે જ ક્યાં? અજંપો ક્યાં? નિષ્ફળતા ક્યાં? નિરાશા
ક્યાં? હતાશા ક્યાં? તાત્પર્ય કે મન જ બંધન ઊભું કરે છે માટે મન જ બંધનમાંથી મુક્ત કરી શકે તેમ છે. સચ્ચિદાનંદ સ્વરૂપે આપણે નિત્યમુક્ત છીએ, પણ આપણે આપણું સ્વરૂપ છોડી જડ પાછળ દોટ મૂકી માટે બંધનનો ભાવ ઊભો થયો છે, માટે જ દુઃખ હતાશા, નિરાશા, ભગ્નાશાથી ઘેરાયા છીએ, દુઃખ અને દર્દના દરિયામાં ડૂબી ગયા છીએ. આપણે આપણા પોતાના જ ઘરમાં ભૂલા પડ્યા છીએ. ઘરની બારીઓ ખુલ્લી છે, દરવાજા ખુલ્લા છે, છતાં આપણે ઘરમાં કેદ છીએ. બીજે ક્યાંક ભૂલા પડેલાને કોઈક રસ્તો બતાવે, પરંતુ પોતાના ઘરમાં જ ભૂલા પડેલાને રસ્તો કોણ બતાવે? જો બંધન પોતાના મનથી જ ઊભું કરેલું હોય તો મુક્તિનો ઉપાય પણ મનથી અન્ય હોઈ શકે નહીં. મનનું બંધન શીર્ષાસન કરવાથી કે શરીરને આડું, ઊંધુ, ચતું કરવાથી ન છૂટે. સંપૂર્ણ ભારતની યાત્રા કરવાથી પણ ન છૂટે કારણ કે બંધન મનમાં છે. માટે શરીર સાથે કોઈ પણ ક્રિયા કરવાથી કે બહારની કોઈ પણ ભૂમિ પર પરિભ્રમણ કરવાથી આંતરિક મનનાં બંધન તૂટે તેમ નથી. આપણે શરીરની ખોટી ખોટી ક્રિયાઓમાં અટવાયેલાં છીએ માટે આદિ શંકરાચાર્યજી આપણને ખોટી ક્રિયાઓમાંથી મુક્ત થવા માટે સંદેશો આપે છે. બંધનથી મુક્ત થવું હોય તો મનને વિવેકવિચાર દ્વારા સમજાવી, મનની કરેલી