________________
૫૫૧
માટે જ સત, અસતનો વિવેક જાણનાર વિવેકી આત્મતત્ત્વના નિર્ણય માટે તથા બંધન અને મોક્ષનો ભેદ જાણવા માટે શ્રુતિ કે ઉપનિષદના વચનોને પ્રમાણ માનીને આત્મસાક્ષાત્કારને પંથે પ્રયાણ કરે છે. તેને શ્રુતિના ઉપદેશમાં લેશમાત્ર શંકા હોતી નથી. કારણ કે વિવેકી શ્રદ્ધાવાન હોય છે. તેથી જ
શ્રુતિના ઉપદેશ અનુસાર તે પરમાર્થદર્શી હોય છે અર્થાત્ જગતના પદાર્થોને વ્યાવહારિક સત્ય માની તેનું ચિંતન છોડી દે છે અને તે જ ન્યાયે સ્વપ્નના સૂક્ષ્મ પદાર્થોને પ્રાતિભાસિક સત્ય સમજી, તેને મિથ્યા જાણી, તેવા કાલ્પનિક પદાર્થોનું ચિંતન કે સ્મરણ પણ ત્યાગે છે. પરંતુ આત્મતત્ત્વ કે બ્રહ્મ જે અવસ્થાત્રય સાક્ષી છે, કાળાતીત છે, સર્વદેશીય છે, અભેદ છે અર્થાત્ દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન છે, અવિકારી અને અપરિવર્તનશીલ છે, તે જ અભાવથી મુક્ત પારમાર્થિક સત્ય છે તેવું જાણી, માત્ર પારમાર્થિક સત્ય જેવા આત્મતત્ત્વનું કે પરબ્રહ્મનું જ ચિંતન કર્યા કરે છે. તથા તમામ નામ અને આકારમાં તે પારમાર્થિક સત્યને જ જુએ છે કે જાણે છે. તેને પારમાર્થિક સત્ય જેવા બ્રહ્મરૂપી અધિષ્ઠાન સિવાય અન્ય કંઈ જણાતું નથી માટે જ તેને પરમાર્થદર્શી કહેવામાં આવે છે.
આમ સમજવાનું કે સત અને અસત પદાર્થોનો ભેદ જાણના૨ કોઈ ભેદી કે વિવેકી પુરુષ જે નિત્ય-અનિત્ય વસ્તુને જાણવા શ્રુતિને પ્રમાણ માને છે અને શ્રુતિના ઉપદેશ મુજબ નિરંતર આત્મતત્ત્વનું દર્શન કરી પરમાર્થદર્શી કહેવાય છે, તેવો પંડિત કે મુમુક્ષુ કદાપિ જાણીબુઝીને બાળકની જેમ અવિવેકી થઈ પોતાના અધઃપતન જેવા વિષયચિંતનનું અવલંબન કરતો નથી. અને જો તે વિષયચિંતનમાં પડે, બાળક જેમ વર્તે, પોતાના અધઃપતનને નિમંત્રે તો કોણ જાણે તે કેવા પ્રકારનો પંડિત કે મુમુક્ષુ હશે!
(છંદ–ઉપજાતિ)
देहादिसंसक्तिमतो न मुक्तिः मुक्तस्य देहाद्यभिमत्यभावः
सुप्तस्य नो जागरणं न जाग्रतः
स्वप्नस्तयोर्भिन्न गुणाश्रयत्वात् ॥३३८॥