________________
૩૪
કે તેનું શ્રવણ કરતાં, આપ જાણે કે બદરીકેદાર જ પહોંચી ગયા! અત્યંત પ્રસન્ન થઈ આપ માહિતી-અધિકારીને પૂછો છો, ‘‘સાહેબ! આપે બદરીકેદારની યાત્રા વિશે ખૂબ સુંદર અને સ્પષ્ટ માહિતી આપી; આપ બદરીકેદાર કેટલીવાર જઈ આવ્યા?'' માહિતી-અધિકા૨ી આશ્ચર્ય સાથે ઉત્તર આપે છે, “હું બદરીકેદાર એકપણ વાર ગયો નથી, મેં માત્ર માહિતીપુસ્તિકાઓ જ વાંચી છે, આટલી માહિતી હોવા છતાં બદરીકેદાર જવાની મારી ઇચ્છા હજી અપૂર્ણ જ છે.'' જેમ માહિતી-અધિકારી પાસે, માત્ર પુસ્તકો દ્વારા મેળવેલી માહિતી જ હતી, માહિતી ગમે તેટલી વિસ્તૃત કેમ ન હોય, પરંતુ તેનાથી બદરીકેદારની યાત્રાનો સંતોષ થઈ શકે નહીં, તેમ શાસ્ત્રો દ્વારા ખબર પડે કે ‘હું સ-ચિત્-આનંદ છું, નિરાકાર છું,અજન્મા છું,’ પણ એવા શબ્દોના જ્ઞાનને આપણા આનંદ સ્વરૂપનો અપરોક્ષ અનુભવ ન કહેવાય. શંકરાચાર્યજી અત્રે એવું જ કહેવા માગે છે. શાસ્ત્રોથી મળેલા જ્ઞાનને પરોક્ષજ્ઞાન કે માહિતી કહેવાય. શાસ્ત્રોના પઠન-પાઠનથી પરોક્ષજ્ઞાન અવશ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ આ માહિતીતુલ્ય પરોક્ષજ્ઞાનને,સ્વસ્વરૂપનું અપરોક્ષજ્ઞાન કહી શકાય નહીં. અપરોક્ષજ્ઞાન માટે શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી કે પરોક્ષજ્ઞાન ઉપર ચિંતન-મનન કરી, તેને આત્મસાત્ કરવું પડે કે ‘હું બ્રહ્મ છું.’ ‘હું બ્રહ્મ છું’ એવા અપરોક્ષજ્ઞાનને જ મોક્ષ,મુક્તિ કે કહેવામાં આવે છે.
દેવોને ઉદ્દેશીને પૂજાપાઠ, યજન, યાગ, હોમ વગેરે કરવાથી પણ આત્મસાક્ષાત્કાર થઈ શકે તેમ નથી. આવાં કર્મો કરવાથી દેવો પ્રસન્ન થાય અને ભૌતિક પદાર્થોની ઉપલબ્ધિ થાય, પણ સ્વસ્વરૂપનું જ્ઞાન થઈ શકે નહીં. ઉપરોક્ત કથનથી સહેજે પ્રશ્ન થાય કે પૂજન, યજન વગેરે કરવાનો ઉપદેશ તો શાસ્ત્રોએ જ આપ્યો છે તો શું શાસ્ત્રો ખોટા માનીએ? ના વાત એમ નથી. પૂજન, યજન વગેરે કર્મો કરવાનો ઉપદેશ શાસ્ત્રોએ અવશ્ય આપ્યો છે પણ આપણે કર્મોની મર્યાદા નહીં સમજીએ તો આત્મસાક્ષાત્કારને પંથે એક ડગલું પણ આગળ વધી શકીશું નહીં. કર્મોની મર્યાદા અર્થાત્ કર્મો સાધકને ક્યાં સુધી પહોંચાડી શકે તેનો સ્પષ્ટ ખ્યાલ. આવાં પૂજન, યજન