________________
૨૨
પણ ઉપનિષદના મહાન ઋષિ યાજ્ઞવાલ્ક્ય પાસેથી મળે છે.
આપણી વર્ણવ્યવસ્થાની અંદર પણ ચારે ચાર વર્ણો સમાજના અવિભાજ્ય અંગો છે, એવું સમજાવવામાં આવ્યું છે. આપણા શરીરના હાથ, પગ, મગજ, ફેફસાં વગેરે અવયવોમાં, કોઈને શ્રેષ્ઠ કે કોઈને નિકૃષ્ટ કહી શકાય નહીં. જે એકબીજાના પૂરક છે તેમને એકબીજાથી છૂટા પાડી શકાય જ નહીં. બધા અંગો અવિભાજ્ય છે, એકબીજાના પૂરક છે અને માટે જ બધાં સરખાં જ મહત્ત્વનાં છે. બસ એ જ પ્રમાણે આ સમાજના અવિભાજ્ય અંગ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તેમાંના કોઈને ઊંચો કહેવો એ તો ફેફસાંથી મગજને છૂટું પાડી, ફેફસાં વિનાના મગજને શ્રેષ્ઠ કહેવા તુલ્ય છે. ફેફસાં વિના મગજ ન ટકી શકે અને મગજ વિના ફેફસાં ન ટકી શકે, તેમને છૂટા પાડી તેમાંના કોઈને મહત્ત્વનું કહેવું, એ તો મૂર્ખતામાત્ર છે. ચારે વર્ણો અવિભાજ્ય છે અને માટે જ તેઓ સરખાં જ મહત્ત્વનાં છે. આવું શાસ્ત્રો દ્વારા સમજાવવામાં આવ્યું છે છતાં આપણે જો ન સમજ્યા હોઈએ, તો શાસ્ત્રોનો વાંક નથી, પણ સમજનારનો છે. શાસ્ત્રોમાં જે લખ્યું છે તે યથાર્થ સમજાયું નથી, માટે જ વર્ણના નામે સંઘર્ષ છે. વર્ણો વચ્ચેના સંઘર્ષને દૂર ક૨વા શાસ્ત્રોના અભિપ્રાયને સાચી રીતે સમજવાની જરૂર છે.
શંકરાચાર્યજીને પરમતત્ત્વ સમજાવવું છે માટે તેમના શબ્દો કદાપિ શરીરના સંદર્ભમાં હોઈ શકે નહીં. માત્ર યજ્ઞોપવિત (જનોઈ) પહેરનારને, આપણા શાસ્ત્રમાં બ્રાહ્મણ તરીકે સ્વીકારી શકાય તેમ નથી. સત્યના સંશોધન માટે જીવન સમર્પણ ક૨ે તે બ્રાહ્મણ, જડ જગતની પરવા ન કરતાં જગતના મૂળનો વિચાર કરે તે બ્રાહ્મણ. જડ જગતના મૂળ શોધવાનો જેમણે જીવનભર પ્રયત્ન કર્યો, તેવા આઈન્સ્ટાઈન કે ગેલેલીયો, ભલે ભારતમાં ન જન્મ્યા હોય, છતાં તેમને બ્રાહ્મણ કહેવામાં આપણને વાંધો નથી. કર્મથી જ આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય,વૈશ્ય કે શૂદ્ર બનીએ છીએ, જન્મથી નહીં. બ્રહ્મને પરમલક્ષ્ય બનાવીને પરબ્રહ્મના રસ્તે પ્રયાણ કરનારો હોય તે બ્રાહ્મણ છે. સર્વાધિષ્ઠાન બ્રહ્મને ખાતર સર્વ કર્મોનો સંન્યાસ કરનારો બ્રાહ્મણ છે. હજી