________________
૩૫ર
આત્મવિચાર વિજ્ઞાનમયકોશના સૂક્ષ્મ વિચાર બાદ આચાર્યશ્રી ત્રણ શ્લોક દ્વારા જ્ઞાનમય કે ચૈતન્યસ્વરૂપ સાક્ષી આત્માનો પરિચય આપે છે. જેના વિશે કહેવાયું છે કે તે વિજ્ઞાનમયકોશની અત્યંત નજીક હોવા છતાં નિરુપાધિક રહે છે, તેવો નિરુપાધિક આત્મા, સ્વરૂપે તો સ્વયં પ્રકાશસ્વરૂપ (SELF EFFULGENT) છે. તેનો તત્ત્વાર્થ તો એવો જ છે કે તે જ્ઞાનસ્વરૂપ છે. વેદાંતની ભાષાનો જેને પરિચય નથી તે તો લક્ષ્યાર્થ છોડી દઈ શબ્દાર્થ જ પકડે છે, જેમ કોઈ ધાન કે ચોખાને છોડી મુસ્કીને સત્ય માને છે. તેથી અત્રે સમજવું કે આત્મા પ્રકાશસ્વરૂપ છે. તેનો અર્થ તે પરપ્રકાશિત નથી. પોતે જાતે જ સ્વયંને જાણે છે અને અન્યને જણાવે છે. આ જાણવાપણું, જ્ઞાતૃત્વ એ જ પ્રકાશત્વ છે અને પ્રકાશત્વને જ અત્રે જ્ઞાતૃત્વ સમજવું. માટે જ આત્માને જ્ઞાનસ્વરૂપ કહેવામાં આવે છે. આત્મામાંથી કંઈ સૂર્ય, ચંદ્ર કે વીજળીની જેમ પ્રકાશના કિરણો નીકળતાં નથી. નથી તે રાત્રીના અંધારામાં તારાઓ જેમ ટમટમતો કે વીજળી જેમ ચમકારો આપતો. વીજળી, તારા, અગ્નિ, સૂર્ય કે ચંદ્ર એ સૌનો પ્રકાશ તો આદિ અને અંતવાળો છે, નશ્વર કે નાશવંત છે. ઉપરાંત તેવા સૌ પ્રકાશ, પરાધીન કે પરંતંત્ર છે, પરપ્રકાશિત છે. જ્યારે આત્માનું પ્રકાશત્વ કે જ્ઞાનસ્વરૂપ તો સ્વયંભૂ, સ્વતંત્ર, શાશ્વત અને આદિ-અંતથી ન્યારું કે મુક્ત છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ કે વિદ્યુતના પ્રકાશના અભાવમાં જે અંધારું જણાય છે તે અંધારાનું જ્ઞાન આત્મા ઉપર આધારિત છે. માટે આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે. અને જ્ઞાનરૂપી અજવાળાથી જ પિંડ કે બ્રહ્માંડને, તૃણથી સર્જનહાર બ્રહ્મા સુધી સૌ કોઈને જાણી શકાય છે. માટે જ આત્માને ચૈતન્ય કે જ્ઞાનસ્વરૂપ કહ્યો છે. શ્રુતિ પણ કહે છે કે “ જ્ઞાનમાં બ્રહ્મ !” “આત્મા સત્ય, જ્ઞાન તથા અનંતસ્વરૂપ છે. આ આત્મા ઉપાધિના તાદાભ્યથી નિર્વિકારી હોવા છતાં વિકારી, અકર્તા હોવા છતાં કર્તા અને અભોક્તા હોવા છતાં ભોક્તા જણાય છે. તત્ત્વાર્થ વિજ્ઞાનમયકોશ સચ્ચિદાનંદ આત્મા જ છે. પરંતુ જ્યારે તે આત્મા પોતાને શરીરાદિ ઉપાધિમાં જ રહેલો જાણે છે ત્યારે તે પોતાને કર્તા-ભોક્તા માની સંસારી બને છે.