________________
૧૮
તેમ છે, માટે જ મનુષ્યજન્મ અતિ દુર્લભ છે એમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી.
મનુષ્યયોની સિવાયની યોનીઓ ભોગેયોની છે. ભોગયોનીમાં જીવને સ્વતંત્રતા હોતી નથી, તેમાં તો માત્ર પૂર્વે કરેલાં કર્મોનાં ફળ જ ભોગવવાનાં હોય છે. બહુ પુણ્ય કરીને આપણે સ્વર્ગલોકમાં જઈ શકીએ, પણ એકવાર સ્વર્ગપ્રાપ્તિ થયા પછી આપણી પસંદગીનો હક્ક રહેતો નથી. એ તો એવું કહેવા જેવું છે કે “તમે પૃથ્વી પર આવી જાઓ અને પછી કહો કે મારે પૃથ્વી સાથે સૂર્યની પ્રદક્ષિણા નથી કરવી.” પૃથ્વી પર રહેલાને સૂર્યની પ્રદક્ષિણા કરવી જ પડે તેમ એકવાર સ્વર્ગલોક પ્રાપ્ત થાય પછી ત્યાં રંભા, ઉર્વશી, મેનકાના નૃત્યો જોવાં જ પડે, ભોગ કરવો જ પડે, વૈભવ અને વિકાસમાં રહેવું જ પડે. ખૂબ ભોગ ભોગવ્યા બાદ, ભોગવિલાસ અને વૈભવ સુખદ લાગે કે ન લાગે, હવે તે છોડવાનું આપણું સ્વાતંત્ર્ય નથી. ભેગાં કરેલાં પુણ્યકર્મનાં ફળ, ભોગવતાં ભોગવતાં પુરા ન થાય, ત્યાં સુધી કોઈ સ્વર્ગમાંથી છટકી શકે તેમ નથી, માટે દેવયોની પણ માત્ર ભોગયોની જ છે.
પુણ્યકર્મના ફળરૂપે જેમ દેવતા આદિ ઉત્તમયોનીની પ્રાપ્તિ થાય છે તેમ પાપકર્મના ફળરૂપે પશુ આદિ અધમયોનીની પ્રાપ્તિ થાય છે. તેમની ઉત્તમતા અને અધમતા, ભોગની દષ્ટિથી કહેવાય છે. ખરેખર તો મનુષ્યયોની જ શ્રેષ્ઠ છે. કર્મોના ફળ કૂતરાં, બિલાડાં જેવાં પ્રાણીઓની યોનીમાં જન્મ લઈને ભોગવીએ, પથ્થર બનીને પડી રહીએ કે વૃક્ષ થઈને ધરતી ઉપર વર્ષો સુધી ઊભા રહીએ, આ સર્વ એક પ્રકારની ભોગોનિ જ છે. આપણા શાસ્ત્રોમાં સ્થાવરયોની અને જંગમયોની એમ બે પ્રકારની યોનીઓ કહેવાય છે. મનુષ્યયોની સિવાયની સર્વયોનીઓ, સ્થાવર હોય કે જંગમ, બધી જ ભોગયોની છે. બળદના મોઢે ફીણ આવે ત્યાં સુધી ગાડામાં માલ ભરવામાં આવે, ગમે તેવા ખરાબ રસ્તા પર માલ ભરેલું ગાડું ખેંચાવવામાં આવે, અને ઉપરથી અણીદાર પરોણો ભોંકાતો હોય, ભલે ગમે તેટલું દુઃખદ કેમ ન હોય, પણ હવે તે જીવ તેમાંથી છટકી શકે નહીં, એને પોતાનાં કર્મના ફળ ભોગવવાં જ પડે,