________________
૨૬૫
આત્માનું સ્વરૂપ જગતનું ઉપાદાન કારણ માયા અને તેના કાર્ય, એવા સંસારની અનિત્યતા સમજાવી હવે તેર શ્લોક દ્વારા આચાર્યશ્રી આત્મહત્ત્વનું નિરૂપણ કરે છે.
અત્રે આત્મસ્વરૂપનું નિરૂપણ કરતાં પૂર્વ આચાર્યશ્રી શિષ્યને પ્રોત્સાહિત કરવા માટે પોતાની પ્રતિજ્ઞા જાહેર કરતાં જણાવે છે કે, “હે શિષ્ય! હવે હું તને પરમાત્માનું સ્વરૂપ સારી રીતે સમજાવું છું. જેને જાણવાથી મનુષ્ય સંસારબંધનથી મુક્ત થાય છે અને મુક્તિને પ્રાપ્ત કરે છે.” આવી પ્રતિજ્ઞામાં આચાર્યશ્રીના શબ્દો “યત્ વિજ્ઞાય” અર્થાત્ જેને જાણવાથી', આપણા માટે બહુ મહત્ત્વના છે. કારણ કે તેથી સ્પષ્ટ થાય છે કે આત્મસ્વરૂપ કે જેનાથી સાક્ષાત્કાર થાય છે તે કંઈ પ્રાપ્ત કરવાની - વસ્તુ નથી. અગર નથી તે કોઈ કર્મનું ફળ. કારણ કે આત્મા તો સૌને પ્રાપ્ત જ છે. જે કંઈ અપ્રાપ્ત હોય તેની જ પ્રાપ્તિ થાય. તદુપરાંત, આત્મા કોઈ પણ કર્મ કરવાથી તેના ફળરૂપે પણ પ્રાપ્ત ન થાય. જો તેવું માની લઈએ તો એવો અર્થ થાય કે કર્મ કરતી વખતે વર્તમાનમાં આપણે આત્માથી વિખૂટા છીએ અને કર્મના ફળરૂપે ભવિષ્યમાં આપણને આત્મતત્ત્વ પ્રાપ્ત થશે. આવી ભ્રાંતિ, શાસ્ત્રના ઉપદેશથી વિરૂદ્ધ છે તેથી સ્વીકારી શકાય તેમ નથી. ઉપરાંત આત્મા તો ત્રણે કાળે અસ્તિત્વમાં જ છે તેનો કોઈ કાળે અભાવ નથી. તેથી વર્તમાનના કર્મ વખતે ન તેનો અભાવ થાય કે આત્મા અજન્મા હોવાથી કર્મના ફળરૂપે ન તો પેદા થઈ શકે. તો પછી પ્રશ્ન છે કે આત્મપ્રાપ્તિ થાય કેવી રીતે? તેનો ઉત્તર આચાર્યશ્રીએ આપ્યો છે કે માત્ર આત્મતત્ત્વને, સદ્ગુરુ શરણે જઈ પ્રથમ શાસ્ત્ર દ્વારા અને સદ્ગુરુના ઉપદેશથી પરોક્ષ રીતે જાણવું જોઈએ. પરોક્ષ જ્ઞાન બાદ અપરોક્ષ જ્ઞાન માટે ચિંતન, મનન કે નિદિધ્યાસન દ્વારા જાતે પ્રયત્ન કરી આત્મતત્ત્વ જાણવું જોઈએ. જે કોઈ “હું સત-ચિત-આનંદ સ્વરૂપ આત્મા છું', તેવું અપરોક્ષ રીતે જાણે છે તે સ્વયં આત્મસ્વરૂપ થઈ મુક્ત થઈ જાય છે. આમ, જાણવાનો પ્રશ્ન મુખ્ય છે અને જાણવાથી જ મુક્તિ મળે છે, બંધન