________________
માટે તો વિરલા શ્રોતા છે. જેમ ઘેટાં બકરાંના ટોળાં હોય, સિંહના નહીં. હંસ પંક્તિમાં, કતારોમાં વિહરતા નથી, કતારો તો બગલાની હોય છે. જો આપણને આત્મહત્ત્વનું શ્રવણ ઉપલબ્ધ હોય તો આપણે સૌ રાજહંસ કે સિંહ સમાન છીએ. પરમ ભાગ્યશાળી છીએ, પરમાત્માની પ્રીતિનું પ્રિયપાત્ર
છીએ.
શ્રવણ કરવાથી મનન કે મનોમંથન થાય અને વિવેકરૂપી નવનીત પ્રાપ્ત થાય છે. ઉપાસના મૂર્તિની કરવી કે અમૂર્તની? દશ્યની કે અદેશ્યની? વ્યક્તની કે અવ્યક્તની? સગુણની કે નિર્ગુણની? સાકારની કે નિરાકારની કરવી? આવા મનોમંથનના નિષ્કર્ષને જ વિવેક કહેવામાં આવે છે. તદુપરાંત જેને સૂક્ષ્મવિવેક પ્રાપ્ત થાય કે ગુરુકૃપાએ જેને વિવેકપ્રસાદી પ્રાપ્ત થાય તે જ આત્મા અને અનાત્માનો ભેદ પારખી શકે. તથા અનાત્મામાં દોષદર્શન કરી આત્મદષ્ટિ પ્રાપ્ત કરી શકે. આમ વિચારતા આત્મા કે અનાત્મા અર્થાત્ જડ અને ચેતન, નશ્વર અને શાશ્વત, ક્ષર અને અક્ષર તથા નિત્ય અને અનિત્ય વસ્તુ વચ્ચેનો ભેદ પારખી નિત્ય વસ્તુને જીવનનું અંતિમ ધ્યેય બનાવી તમામ અનિત્ય તરફ વૈરાગ્ય કેળવવા માટે વિવેકની અનિવાર્યતા છે. સાચા વિવેક વિના, ન તો નિત્ય-અનિત્યનું જ્ઞાન થાય કે ન તો અનિત્ય માટે વૈરાગ્ય જાગે. આવા નિત્ય આત્મવસ્તુ તરફ પ્રેરનારા અને અનિત્ય પદાર્થોથી વિમુખ કરનારા મનોવલણને જ શાસ્ત્રમાં વિવેક કહેવામાં આવે
શંકરાચાર્યજીએ પ્રસ્તુત ગ્રંથમાં વિસ્તારપૂર્વક વિવેકની સમજણ આપી છે. માટે ગ્રંથનું વિવેકચૂડામણિ' નામ અત્યંત સાર્થક છે. આ ઉપરાંત શંકરાચાર્યજીએ આચાર્યને શોભે એવું સુંદર કાર્ય નિમિત્તભાવે કર્યું છે. આચાર્ય એટલે જે ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર ઉપર ટીકા લખે. સૌ પ્રથમ ઉપનિષદો અને ભગવદ્ગીતા પર ઉત્તમોત્તમ ટીકા લખી, આ સમાજના ચરણે તત્ત્વજ્ઞાનના રહસ્યનું ઉદ્દઘાટન કરનાર ભગવાન શંકરાચાર્ય હતા. ઉપનિષદો, ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્ર પર ભાષ્યો લખી તેમણે વેદાંતના ગૂઢ રહસ્યોને સરળતાથી સમજાવ્યાં. તદુપરાંત લોકોની ભાવના પોષાય,