________________
૭
શ્વેતકેતુની સૂક્ષ્મબુદ્ધિમાં શબ્દોના ભંડા૨માંથી સંકેતની જાણે વીજળી ચમકી અને ગુરુના ઉપદેશનો તત્ત્વાર્થ, ગૂઢાર્થ, ગર્ભાર્થ કે લક્ષ્યાર્થ હૃદયગમ્ય થયો,આને જ ગુરુકૃપા દ્વારા થયેલ આત્મસાક્ષાત્કાર કહે છે. ગુરુ સાક્ષાત્કાર કરાવી આપે, એવી ભ્રાંતિમાંથી પણ આપણે વિવેક દ્વારા દૂર થવાની જરૂર છે. સમાજમાં એવી વાતો વહેતી થઇ ચૂકી છે કે શ્રી રામકૃષ્ણ ૫૨મહંસે નરેન્દ્રનો અંગૂઠો દબાવ્યો અને તેને સાક્ષાત્કાર થયો. ભ્રાંતિની પરાકાષ્ઠા સિવાય આને બીજું કંઈ જ કહી શકાય નહીં. ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાસે તો તેર શિષ્યો હતા અને ગુરુ માટે તો બધા જ સરખા હોય. શું ભારતદેશને એક જ વિવેકાનંદની જરૂર હતી? બધા શિષ્યોને કેમ વિવેકાનંદ ન બનાવ્યા? કારણ, પ્રત્યેકનો અધિકાર ભિન્ન ભિન્ન હોય છે. શિક્ષક એકના એક જ હોય પણ શિષ્યોમાં દૈવત જોઈએ. નરેન્દ્રમાં, નરેન્દ્રમાંથી વિવેકાનંદ સુધીની યાત્રા કરવાનું દૈવત હતું. વાલીયામાં પણ વાલીયાથી વાલ્મિકીની યાત્રા કરવાનું સામર્થ્ય હતું. સમજવાનું એ છે કે આત્મસાક્ષાત્કાર કંઈ સિદ્ધિ, ચમત્કાર કે ટૂંકા રસ્તાની વાત નથી અને યાદ રાખીએ કે કેટલીય વખત ટૂંકો રસ્તો લેવા જતાં યુગો અને જન્મો સુધી ચાલવું પડે છે. ગુરુના ઉપદેશને શ્રવણ દ્વારા આત્મસાત્ કરવામાં આવે, તો શ્વેતકેતુની જેમ શ્રવણ દ્વારા સાક્ષાત્કાર થઈ શકે તેમ છે. પરંતુ તે માટે પ્રતિક્રિયારહિત શ્રવણ થવું જોઈએ. અત્યારે તો જયારે વક્તા બોલતા હોય ત્યારે,‘આવું કહે છે પણ પેલા પુસ્તકમાં તો આવું લખ્યું છે’,‘હું આ વાતને સ્વીકારતો નથી’,‘વેદ, શાસ્ત્ર, ધર્મ વગેરે અર્થલક્ષી ગપ્પા માત્ર છે, આપણને વ્યવસ્થિત રીતે છેતરવાનો પ્રયત્ન છે’,‘હું કોઈનું બૂરું કરતો નથી, નીતિથી જીવન જીવું છું. મદદરૂપ ન થઈ શકું તો વાંધો નહીં પરંતુ કોઈને દુઃખ દેતો નથી, લાંચ લેતો નથી, સત્યવાદી છું, પછી મારે વળી શાસ્ત્રશ્રવણ કેવું? કેવી મારે કથાની વ્યથા? અરે! શા માટે મારે ગુરુનું શ૨ણ કે સેવાનો અંચળો?’ આવી અનેક પ્રકારની ભ્રાંતિમાં ડૂબેલા આપણને શ્રવણ કેવી રીતે કરવું એ સમજાયું નથી. શ્રવણ કરતી વખતે આપણું મન પ્રતિક્રિયા કરતું રહે છે. વક્તાને સાંભળતી વખતે મન પ્રતિક્રિયા કરતું રહે ત્યાં સુધી વક્તા સંભળાય નહીં પણ પ્રતિક્રિયા જ સંભળાતી રહે છે.‘હું ઉપદેશક કે ઉપદેશને સ્વીકારવા તૈયા૨ નથી' એમ અંદરથી અહંકાર ધક્કો મારે છે.
'