________________
૨૦૪
મૃત્યુ પૂર્વે મરે છે. દા.ત. કોઈ દુશ્મન, દુર્જન કે અસામાજિક તત્ત્વ જેવો પુરુષ, કોઈ સજજનને દૂરથી ઊભો ઊભો અપશબ્દ સંભળાવે, ગાળો દે કે તેનું અપમાન કરે તો અપશબ્દ બોલનાર દૂર હોય, સર્પ જેમ નજીક આવી કરડ્યો ન હોય છતાં તેના શબ્દો દૂરથી જ સજજનના અહંકારને હણે છે. તેમ થતાં શબ્દોનું એવું તો ઝેર પ્રસરે છે કે મામલો મારામારી, તકરાર કે કોઈ વાર કરપીણ હત્યા સુધી પહોંચે છે. આ બાબતમાં દ્રૌપદી અને દુર્યોધનનું દષ્ટાંત ખૂબ જ ખ્યાતનામ પામેલું છે. દ્રૌપદીએ મહેણું માર્યું કે, “આંધળાના છોકરા આંધળા જ હોય છે' આ શબ્દબાણ દૂરથી જ દુર્યોધનના હૃદયને એવું તો ઘાયલ કરી ગયું, દ્રૌપદીના શબ્દોનું ઝેર એટલું બધું દુર્યોધનના વિચારોમાં વ્યાપી ગયું કે તેણે વેરની વસૂલાતનો તકતો ગોઠવ્યો અને અંતે આપણે સૌ જાણીએ છીએ તેમ દ્રૌપદીને ભરસભામાં નિર્વસ્ત્ર કરવામાં આવી, ચોટલો ખેંચીને દુઃશાસને દ્રૌપદીને અપમાનિત કરી, ભરસભામાં ઊભી કરી. કૌરવોએ દ્રૌપદીને પોતાની સાથળ થાબડી ઉપર બેસાડવાની કુચેષ્ટા પણ કરી અને છતાં વેરનું ઝેર ઉતર્યું નહીં. અરે! આ શબ્દબાણનું ઝેર કેવું હશે એ તો વિચારો! જો સર્પનું ઝેર ચઢયું હોય તો ઝેરના મારણ જેવી દવાઓ (ANTIVENOM) આપી ઝેર ઉતારી શકાય અગર કોઈ મદારી કે ગારુડીની મદદ લઈ મંત્રોચ્ચાર દ્વારા પણ સાપ કરડ્યો હોય તેને સાંત્વન આપી શકાય પરંતુ દ્રૌપદી જેમ જો કોઈએ શબ્દબાણ છોડયું હોય તો તેવા બાણની કોઈ દવા હોતી નથી. સ્વયં શ્રીકૃષ્ણ પરમાત્મા શાંતિદૂત થઈને મહાભારતનું યુદ્ધ અટકાવવા પ્રયાસ કરી ચૂકયા હતા, છતાં દુર્યોધનના ઝેરનું શમન થયું નહીં અને અંતે શબ્દબાણનું પરિણામ મહાભારતના યુદ્ધમાં પરિણમ્યું. તે જ દર્શાવે છે કે કાળા સર્પના ઝેર કરતાં પણ શબ્દાદિ વિષયનું ઝેર અતિ ભયંકર હોય છે અને ઘણે દૂરથી જ તેની ઘાતક અસર થાય છે.
તે જ પ્રમાણે જો કોઈ સ્વરૂપવાન લલના દૂર ઊભી રહીને પોતાના નયનબાણથી જો કોઈ પુરુષને ઘાયલ કરે તો ઝખમી થયેલા તે પુરુષનું ઝેર ઉતારવા મંત્ર, તંત્ર કે દવાદાર કોઈ જ સમર્થ હોતું નથી. માત્ર પેલી રૂપવતી સૌંદર્યસભર નવયૌવના જ ભોગાસક્ત પુરુષને શાતા