________________
નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી વગેરે સર્વ સાકાર પદાર્થોને અવકાશ આપનારું આકાશ નિરાકાર છે. જો નિરાકાર આકાશ ન હોય તો કોઈ આકાર રહી શકે નહીં, કારણકે આ નિરાકાર આકાશ જ, પોતાની અંદર રહેવા તેમજ પરિભ્રમણ કરવા માટે સર્વ સાકારોને અવકાશ આપે છે. તાત્પર્ય એ જ છે કે આકાર અને સાકારનું જે અધિષ્ઠાન છે તે આકાશ છે અને આકાશ નિરાકાર છે. નિરાકાર છે માટે તે ઇન્દ્રિયગમ્ય નથી અર્થાત્ તેને આંખથી જોઈ શકાય તેમ નથી. આપણે માનીએ કે આપણી ઉપરના આકાશને આપણે જોયું છે પણ ખરેખર આપણે આકાશ જોયું નથી, આકાશનો ટુકડો કે ભાગ માત્ર જોયો છે. અમર્યાદિત આકાશનું દર્શન શક્ય નથી કારણ કે તે સર્વવ્યાપ્ત . છે, એક છે, અખંડ છે, સૌનો આધાર છે. એવું અનંત અને સર્વવ્યાપ્ત આકાશ કે જેની સીમાઓ આંખે જોઈ ન શકાય, તેને સાપેક્ષતાની દષ્ટિએ સૌથી સૂક્ષ્મ કહી શકાય. પરબ્રહ્મ કે પરમાત્મા, જેમાંથી આકાશની ઉત્પત્તિ થઈ છે, તે આકાશનું પણ કારણ છે. આકાશનું કારણ હોવાને લીધે પરમાત્મા આકાશથી પણ સૂક્ષ્મ છે. આ પ્રમાણે વિચારવાનો પ્રયાસ કરીએ તો સમજાય કે, આકાશ નિરાકાર છે માટે સર્વ સાકાર પદાર્થોને આશ્રય આપે છે, તો પછી આકાશનું પણ કારણ, આકાશને પણ આશ્રય આપનાર પરબ્રહ્મ કે પરમાત્મા નિરાકાર જ હોય, એમાં શંકાને સ્થાન હોઈ શકે નહીં. મૂર્તિ સાધન છે સાધ્ય નહીં.
પરબ્રહ્મ, જે સર્વનો આધાર અને નિરાકાર છે, જે અમૂર્ત અને અવ્યક્ત છે, તેને વ્યક્ત દ્વારા સમજવાની કોશિશ કરી શકીએ, દશ્ય દ્વારા અદેશ્ય પર પ્રવાસ કરી શકીએ, નામ દ્વારા અનામી તરફ ગતિ કરી શકીએ, સાકાર દ્વારા નિરાકારને પ્રાપ્ત કરી શકીએ, એટલા માટે મૂર્તિઓ આપણને સહારા તરીકે આપવામાં આવી છે. મૂર્તિ સાધન છે, અંતિમ લક્ષ્ય કે સાધ્ય કદાપિ નહીં. આપણે મૂર્તિપૂજક નહોતા અને નથી. આપણે આકારની પૂજા અવશ્ય કરી પરંતુ એવી સમજ સાથે કે તમામ આકાર, નિરાકાર પરમાત્માના જ છે. માનસરોવર અને કૈલાસ હિન્દુધર્મમાં મોટામાં મોટી યાત્રાના ધામ મનાય છે. ત્યાં કોઈ મંદિર નથી, કોઈ મૂર્તિ નથી, ત્યાં માત્ર એક પર્વત