________________
૧૮૮
સર્વવ્યાપી હોવા છતાં સૌ કોઈને જણાતું નથી. શ્રુતિ પણ એવું જ ઉપદેશે છે કે, “gષ સર્વ ભૂતેષુ શૂદ્રોત્મા ન પ્રવાતે ''
(કઠોપનિષદ- ૧/૩/૧૨) તમામ પ્રાણીમાત્રમાં રહેલો હોવા છતાં આ ગૂઢ આત્મા સર્વ જણાતો નથી.” પૃથ્વીમાં રહેલું ગુપ્ત ધન કંઈ “હે ધન! ઓ સંપત્તિ! હે ચરુ! મને મળી જાઓ, મને પ્રાપ્ત થાઓ.” એવું બોલવા માત્રથી કંઈ ધન આપોઆપ બહાર નીકળી ધનનો પોકાર કરનારને વિના પ્રયત્ન પ્રાપ્ત થતું નથી. તેને માટે તો સૌ પ્રથમ ગુપ્તધનની જાણકારી હોય તેવા લોકોનો સંપર્ક કરવો પડે છે. ગમે ત્યાં ખાડો ખોદવાથી પાણી મળતું નથી, પરંતુ વિશેષ જાણકારની મદદથી જમીનમાં ખાડો ખોદવામાં આવે તો પાણી સરળતાથી ઉપલબ્ધ થાય છે. તેમ ધરતીમાં રહેલું સોનું, ચાંદી, અકીકના પથ્થરો કે હીરા જેવી કિંમતી ચીજો અગર ગુપ્તધન ધરતીમાં હોય પરંતુ વિશેષ તજજ્ઞની મદદથી જ તેની ભાળ મેળવી શકાય. તેવી ભાળ મેળવ્યા બાદ પણ, કંઈ ધન હાથમાં આવતું નથી. પરંતુ તેવા તજજ્ઞની શિખામણ અનુસાર જમીન ખોદવાનો પુરુષાર્થ કરવો પડે છે. ધીરે ધીરે પથ્થર, માટી, કાંકરા વગેરે દૂર કરવા પડે છે. ત્યારબાદ જ દાટેલું ધન હાથમાં આવી શકે છે. ઉપરાંત આવું ગુપ્ત ધન સ્વયંના પુરુષાર્થથી જ પોતાને મળે છે. જો તેવા ધનની પ્રાપ્તિ માટે અન્યની મદદ લેવામાં આવે તો તેમાં ભાગલા પડવાની અગર ધનઉચાપતની શંકા રહે. તેથી જાતે જ સ્વાશ્રય કરીને જ જો કોઈ પ્રયત્ન કરે તો તે ધનનો માલિક બને છે. તે જ પ્રમાણે બ્રહ્માંડમાં સંતાયેલું આત્મતત્ત્વરૂપી ધન ક્યાં છે તેની ભાળ આપનારને તજજ્ઞ નહીં પરંતુ સદ્ગુરુ કહેવામાં આવે છે. તેવા સદ્ગુરુની મદદથી, તેના ઉપદેશરૂપી સૂચનથી આત્મધન મેળવવાનો પુરુષાર્થ, શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક જાતે જ કરવો પડે. “મને આત્મા પ્રાપ્ત થાઓ એવા પોકાર માત્રથી આત્મતત્ત્વની પ્રાપ્તિ થતી નથી. ઉપરાંત ધન મેળવવા જેમ માટી, પથ્થર અને કાંકરા બહાર કાઢેલાં, એવી જ રીતે આત્મધન માટે વિવેકરૂપી સાધનો વડે રાગ-દ્વેષરૂપી કીચડ, કામ-ક્રોધરૂપી પથ્થરો અને લોભ-મોહરૂપી માટીને