________________
૧૭૭
6.
“સ્વાધ્યાયપ્રવચનામ્યાં ન પ્રમવિતવ્યમ્ ।”
(તૈત્તિરીયોપનિષદ-શિક્ષાવલ્લી)
“સ્વાધ્યાય અને પ્રવચન માટે પ્રમાદ કરવો જોઈએ નહીં.'’
આમ પ્રવચનની વાત તો શાસ્ત્રગત છે, શ્રુતિનો આદેશ છે. પરંતુ મા શ્રુતિએ કૃપા કરી આરુરુક્ષુ સાધકને તેના સાધનરૂપે વર્ણવ્યુંછે. પરંતુ આત્મનિષ્ઠ વ્યક્તિના વક્તવ્યો તેમના માટે સાધનરૂપે નહીં પરંતુ તેમના આત્મરમણ અર્થે કે નિજાનંદની મસ્તી માટે હોય છે. બ્રાહ્મી સ્થિતિમાં રહેલી આવી બ્રહ્મજ્ઞાની વ્યક્તિ પ્રવચન કરે કે ન કરે તેવી વ્યક્તિ માટે પ્રવચનાર્થે કોઈ પણ પ્રકારનો આદેશ, સંદેશ કે ઉપદેશ શાસ્ત્રોએ આપેલો નથી.
તાત્પર્યમાં સાધનચતુષ્ટયસંપન્ન થયા બાદ ગુરુ ચરણમાં શરણ પ્રાપ્ત કર્યું હોય અને મોક્ષાર્થે જીવન વ્યતીત કરતા હોય તેવા કોઈ પણ સાધકે સ્પષ્ટપણે સમજી લેવું કે પ્રવચન તો સ્વયંની સાધનાનું માધ્યમ માત્ર છે. વાંચવા માટે પેટાવેલી બત્તી વાચકને શબ્દો ઉકેલવા મદદરૂપ થાય છે તેથી કંઈ વાચક બત્તીને કે પ્રકાશને મહત્ત્વ આપી તેની સામે જોયા કરતો નથી, પરંતુ બત્તીના ઉજાસમાં વાંચનરૂપી પોતાનું ધ્યેય સિદ્ધ કરી લે છે. તેવી જ રીતે પ્રવચનકાર્ય સાધનાપથમાં બત્તીરૂપી સાધન જેવું પુરવાર થયેલું છે. પ્રવચનકાર્યની મદદથી પ્રમાદ છોડી સાધકે આત્મચિંતન કરી આત્મજ્ઞાનની પ્રાપ્તિરૂપી સાધ્ય સિદ્ધ કરી લેવું જોઈએ. આવા પોતાના પ્રયત્નમાં કે પોતાની સાધનામાં, પોતે જો પ્રવચનકાર્યરૂપી દીવો પ્રગટાવ્યો હોય તો તેવા દીપકના ઉજાસમાં શ્રોતા બની કોઈ મુમુક્ષુ આવે અને પોતાની જીવનકિતાબના પાનાં વાંચવા પ્રેરાય અને ઉકેલવા મથે તો તેવો જિજ્ઞાસુ શ્રોતા ભલે આપણા દ્વારા થતા પ્રવચનકાર્યના ઉજાસનો લાભ લે. પરંતુ કદાપિ એવું ન વિચારવું કે સ્વયં જ્ઞાની છે, સિદ્ધ છે અન્યથી જુદો અને મહાન છે. શ્રોતા બની સન્મુખ બેઠેલો વ્યક્તિ અબુધ, અજ્ઞાની અને પોતાનાથી નિમ્ન છે એવો ભાવ જો પેદા થશે અને પ્રવચનકાર તરીકે સાધક જો સ્વયંને ઓળખશે તો પછી પ્રવચનકાર્ય તેના માટે ધર્મ નહીં પરંતુ ધંધો બની જશે. આથી જ સૌએ યાદ રાખવું કે પ્રવચનરૂપી ધર્મકાર્યને ધંધો બનાવાય નહીં પરંતુ સ્વયંનો ધંધો ધર્મયુક્ત હોવો જોઈએ.