________________
૧૪૧
શિષ્યને અભય પ્રદાન કરતા, શાતા બક્ષતા, વાક્યોની ઉદ્ઘોષણા હવે ગુરુ કરી, તેને નિશ્ચિત બનાવે છે. અજ્ઞાની હોવા છતાં શરણમાં આવેલા, સન્માર્ગે આગળ વધવાની તાલાવેલી ધરાવતા વિવેકી મુમુક્ષુને ઉર્બોધતા ગુરુ તેને વિદ્વાન તરીકે સંબોધી ચિંતામુક્ત કરે છે. ગુરુ જણાવે છે, “હે વિદ્વાન! તું ભય રાખીશ નહીં, તારો કોઈ કાળે નાશ નથી. તેથી મૃત્યુ જેવા મહાભયમાંથી પણ તું મુક્ત થા. સંસારના તાપથી તપેલા તારા સંતાપનો ઉપાય પણ છે. તે નિશ્ચય સંસારસાગરની પેલે પાર પહોંચી શકે તેમ છે.” આમ, સૌ પ્રથમ ભયમુક્ત કરી શિષ્યને સન્માર્ગે જવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે. ત્યારબાદ ભવપાર જવાના ઉપાય વિશે જણાવતાં ગુરુ કહે છે કે, “હે વિદ્વાન્ ! આ જગતમાંથી અનેક યોગીઓ સંસારને તરી ગયા છે એટલું જ નહીં, કરુણાસાગર તેવા તે સંતોએ, ઋષિમુનિઓએ સૌ કોઈ મુમુક્ષુને એ માર્ગ તરી જવા માટે રસ્તો બતાવ્યો છે. જે નૌકા દ્વારા તેઓ સંસારસાગરને તરી ગયા છે તે ઈશ્વરકૃપા, ગુરુકૃપા તથા શાસ્ત્રકૃપારૂપી નૌકા આજે તને પણ ઉપલબ્ધ થઈ ચૂકી છે. આથી સંસારસાગરના તરણના માર્ગે આગળ વધવા પરંપરાગત પ્રાપ્ય એવો મોક્ષમાર્ગ હું તને બતાવું છું. દિશાભ્રાંત થયેલો, ભવાટવીની આંધીમાં આમથી તેમ અથડાતો તું ભયમુક્ત થઈ સમજી લે કે આ દુસ્તર ભવસાગરનો અંત છે, તદુપરાંત તેને પાર કરવાનો ઉપાય પણ છે. તું મારે શરણે આવ્યો છે તેથી તે માર્ગ હું તને બતાવું છું.” ઉપરોક્ત અભયવચન દ્વારા ગુરુ અભયદાન પ્રદાન કરી શરણે આવેલા મુમુક્ષુને મોક્ષમાર્ગ પ્રદર્શિત કરે છે.
સર્વ પ્રકારના મનુષ્યને અભયદાન આપતા આવા વચનોનું શ્રવણ કરીએ ત્યારે એક શંકા સ્વાભાવિક થાય છે કે પૂર્વે કહેવાયું હતું કે સાધનચતુષ્ટય સંપન્ન અધિકારી જ મુમુક્ષુ બની શકે, જ્યારે અહીં તો સર્વને ગુરુ અભય પ્રદાન કરે છે. આ શંકાના સમાધાનમાં સમજી લેવું જોઈએ કે જો સાધનચતુષ્ટય સંપન્ન અધિકારી મોક્ષમાર્ગે પ્રયાણ કરે તો તે ઝડપથી આગળ વધી શકે છે. પરંતુ જે અધિકારી નથી અર્થાત્ વિવેક, વૈરાગ્ય વગેરેના સંસ્કારોથી સંપન્ન નથી, તેઓને આ માર્ગ ઘણો કઠિન પ્રતીત થાય છે, તથા તેવાની ગતિ અત્યંત