________________
૧૩૯
અધિકારી પણ ગુરુના ચાર વાક્યોમાં ચાલીસ વાક્યો જેટલો ગૂઢાર્થ આપોઆપ સમજી લે છે. જ્યારે કેટલાંક શિષ્યો ઉત્તમ કક્ષાના હોય છે. ઉત્તમ પ્રકારના ઘોડાઓ તો ચાબુકના અવાજની રાહ પણ જોતા નથી, પરંતુ ચાબુકના પડછાયા માત્રથી જ પોતાનો રથ હંકારી જાય છે. આમ, ઉત્તમ અધિકાર ધરાવતા મુમુક્ષુ શિષ્ય પણ ગુરુના ઉપદેશ-આદેશની રાહ જોતા નથી. પરંતુ ગુરુના આંખના પલકારે કે દષ્ટિસંકેતથી જ ગુરુ શું ઇચ્છે છે તે કળી જાય છે. ગુરુની મુખમુદ્રા પરથી જ તેમની આવશ્યકતા શું છે તે તથા ગુરુ, શિષ્ય પાસેથી શેની અપેક્ષા રાખે છે તે પણ સમજી જાય છે. આવા ઉત્તમ શિષ્યોને ગુરુના શબ્દોની અભિવ્યક્તિની જરૂર હોતી નથી. આવો ઉત્તમ શિષ્ય અને શ્રોત્રિય-બ્રહ્મનિષ્ઠ ગુરુનો સમન્વય થવો સુલભ નથી.
શરણે આવેલા અધિકારી મુમુક્ષુને યોગ્ય માર્ગદર્શન આપી, બિનઅધિકારી હોય તો ગુરુ તેમની ઉપર અપરંપાર કૃપા કરી, સૌ પ્રથમ તેમને અધિકાર પ્રદાન કરે છે. અધિકાર પ્રાપ્ત થયા બાદ જ જ્યારે તે જ્ઞાનપ્રાપ્તિનો અધિકારી બને છે ત્યારે જ્ઞાન પ્રદાન કરે છે. એમ કહેવાય છે કે સિંહણનું દૂધ તો સોનાના પાત્રમાં જ ટકી શકે, ગમે તે પાત્રમાં નહીં. તે જ પ્રમાણે આત્મજ્ઞાનનો ઉપદેશ પણ એવા સુયોગ્ય, સુપાત્ર, અધિકારી જ ઝીલી શકે. તથા તેને જીવનમાં આત્મસાત્ કરી જીવન સાર્થક કરી શકે. કરુણાસભર ગુરુ તો તમામ શરણાગતને જ્ઞાનોપદેશ આપવા તત્પર હોય, પરંતુ કાગળમાં અગ્નિ લઈ જનારી વ્યક્તિ પોતાને સ્થાને પહોંચે તે પૂર્વે અગ્નિનું પાત્ર એવો કાગળ જ બળીને ભસ્મ થઈ જાય છે. તે જ પ્રમાણે બિનઅધિકારી શિષ્ય, જ્ઞાનાગ્નિને પ્રાપ્ત કરી, ચિત્તમાં ચૈતન્યની જ્યોતિ પ્રગટાવવાને બદલે ચિંતારૂપી આગને સળગાવી આસપાસના સુરમ્ય વાતાવરણમાં પણ દાહ તેમજ ભડકાં પ્રસરાવે છે. તેથી જ અત્રે પુનઃ શિષ્યના અધિકારને દોહરાવતાં જણાવ્યું છે કે તેવો મુમુક્ષુ પ્રશાંતચિત્ત અર્થાત્ ચંચળતાથી મુક્ત, રાગ-દ્વેષરહિત હોવો જોઈએ, તેમજ શમ-દમ વગેરે ઉપાયો વડે મનોનિગ્રહ તથા ઇન્દ્રિયનિગ્રહથી સંયુક્ત હોવો જોઈએ. મોટામાં મોટો