________________
૧૩૮
ઉપદેશને ધ્યાનમાં લેતો નથી. એટલું જ નહીં પણ તેના આદેશોનું પાલન પણ કરી શકતો નથી. ગમે તેટલું કહેવા છતાં જે કહેવાય તેનાથી ઊંધુ જ કરવું, ન કરવાનું કરવું અને કરવાનું હોય તે પ્રત્યે દુર્લક્ષ સેવે છે. છતાં તેવાને પણ કૃપા કરી ગુરુ તેની શરણમાં રાખે છે. તોફાની ઘોડાને કે અડિયલ ટટ્ટને સીધા રસ્તે ચલાવવા માટે આંખે દાબડાં તથા મોંમાં ચોકઠું મૂકવામાં આવે છે. ઘોડેસ્વાર એક હાથમાં ચાબુક રાખી બીજા હાથમાં લગામ પકડીને તેવા ઘોડાને મારી મચડીને કાબૂમાં રાખે છે. આટલું કર્યા બાદ તે સીધા રસ્તે ચાલે છે. આમ, ઉપરોક્ત લક્ષણવાળા અડિયલ ટટ્ટ જેવા કનિષ્ઠ અધિકારીને પણ ગુરુ, મહેણાં, ટોણાં અને ઉપાલંભ જેવી શિક્ષા કે પછી કર્માનુષ્ઠાન કે ભક્તિ દ્વારા ફળની લાલચ આપી તેને પ્રેરણા પ્રદાન કરી, પ્રોત્સાહિત કરતાં કરતાં દંડ અને ઈનામ જેવી સંયુક્ત પદ્ધતિનો ઉપયોગ કરી ઉત્તમ અધિકારી બનાવવાની નિઃસ્વાર્થ મથામણ નિશદિન કર્યા કરે છે. '
મંદ પ્રકારનો શિષ્ય મંદ પ્રકારના ઘોડા જેવો હોય છે અર્થાત્ કેટલાક ઘોડા એવા હોય છે કે માત્ર ચાબુક વડે ફટકારી ચોકઠાં કે દાબડાંની મદદ વિના કાબૂમાં લઈ શકાય છે. તે જ પ્રમાણે મંદ અધિકારવાળા શિષ્યને પણ કટાક્ષ દ્વારા, વ્યંગ દ્વારા કે પછી કઠોર વાણી દ્વારા કહ્યા બાદ જ તે સાચા માર્ગે આગળ વધે છે. આવા પ્રકારના શિષ્ય હંમેશા ચંચળ કે ચિંતાગ્રસ્ત સ્વભાવવાળા હોય છે. ગુરુ ઉપદેશ આપે ત્યારે તેનું ચંચળ મન અહીં-તહીં ભટકતું હોય છે. તેવા લોકો શાસ્ત્રશ્રવણ વખતે કોઈક અન્ય પુસ્તક વાંચતા હોય કે પછી નોટબુકમાં આડા-અવળાં લીટા કરી વિચિત્ર ચિત્રો દોરતાં હોય છે. તેવા શિષ્યોને મોક્ષમાર્ગે પ્રગતિ કરતાં ઘણો સમય નીકળી જાય છે.
મધ્યમ પ્રકારનો શિષ્ય ગુરુને સાચી રીતે સમજી શકે છે. થોડા શબ્દની અભિવ્યક્તિ થતાં જ ઘણી બધી વસ્તુ તે આપોઆપ સમજી લે છે. અર્થાત્ થોડામાં ઘણું સમજવાની તેની તાકાત હોય છે. આવો શિષ્ય સમજુ ઘોડા જેવો હોય છે. તેને ચાબુક ફટકારવી ન પડે પરંતુ ચાબુકનો માત્ર અવાજ થતાંની સાથે જ તે સમજી જાય છે કે હવે પ્રયાણ કરવાનું છે. આમ, મધ્યમ