________________
૧૨૪
નિર્વિકાર અવસ્થાને પ્રાપ્ત થયેલું હોવાથી, શાંત સ્વભાવવાળા હોય છે. પરંતુ તેમના શાંત સ્વભાવને ઈધણ વગરના અગ્નિ સાથે સરખાવી અત્રે શંકરાચાર્યજી સંકેત છે કે બળતણ વગરનો અગ્નિ ઉપર-ઉપરથી રખિયાવાળો પરંતુ અંદરથી પ્રજવલિત તથા દાહ પમાડે તેવો હોય છે. તેવી રીતે જ્ઞાની ગુરુ પણ ઉપર-ઉપરથી સૌમ્ય અને શાંત દેખાતા હોવા છતાં તેના અંતરમાં જ્ઞાનની જવાળા પ્રજવલિત હોય છે. આ જ દૃષ્ટાંતને અન્ય રીતે વિચારતાં એમ પણ કહી શકાય કે ઉપર-ઉપરથી શાંત છતાં અંદરથી દઝાડે તેવા અગ્નિ જેવો સ્વભાવ અર્થાત તે જ્ઞાની ગુરુની એક આંખમાંથી જ્ઞાનામૃતની સરિતા વહેતી હોય અને જરૂર પડે તો શિષ્યના અંતઃકરણમાં રહેલાં દોષોને નિર્મૂળ કરવા બીજી આંખમાંથી શિસ્તપાલનનો અગ્નિ પણ ઝરતો હોય. ત્રીજા દષ્ટિકોણથી વિચારતાં સમજી શકાશે કે બહાર દેખાતાં આરોપિત સત્ત્વ, રજસ અને તમસ એમ ત્રણે ગુણોને ઉપાધિ સહિત જેણે ભસ્મીભૂત કરી નાંખ્યા છે, તેની રખિયા બહાર આવે છે તથા જેના વડે ત્રણે ગુણોને ભસ્મ કર્યા છે તેવા જ્ઞાનનો દીપક તેની અંદર પ્રજવલિત છે. આવા જ્ઞાની ગુરુ અહેતુક, નિમ્પ્રયોજન કે અકારણ અન્ય મુમુક્ષુ કે જિજ્ઞાસુ પ્રત્યે દયા વરસાવતા હોય છે. જે સ્વયં પરમાત્માની કૃપાનું પાત્ર બની ઈશ્વરની કૃપાથી નીતરતો હોય છે તે અન્યને પણ પ્રભુના પ્રેમનો અભિષેક કરાવતો, અકારણ દયા દર્શાવતો હોય છે. આવા, દયાના સાગર તરીકે ગુરુને વર્ણવી શંકરાચાર્યજી એવું પણ ઉબોધે છે કે, ગુરુ પાસે દયાની કમી હોતી નથી પરંતુ સાગરમાં જેમ પાણી કદાપિ સૂકાતું નથી તે હંમેશા પાણીથી છલકાતો જ રહેતો હોય છે. તેવા અંદરથી ઊંડાણમાં ધીર-ગંભીર છતાં બહારથી મોજાંઓનું હલનચલન દર્શાવતા સાગર સાથે ગુરુને સરખાવે છે. તેનું તાત્પર્ય તો એ છે કે, ગુરુનું જીવન સદાને માટે અન્ય ઉપર કરુણા કરવા તત્પર હોય છે. આમ, અન્યના કલ્યાણાર્થે ક્રિયા કરતાં દેખાવા છતાં અંદરથી કર્તાભાવરહિત અક્રિય તથા શાંત હોય છે. સંસારબંધનથી ત્રાસેલા, દુઃખના દાવાનળથી દાઝેલા તમામ અબુધજનોના અજ્ઞાનના નિવારણ માટે આવા જ્ઞાની હંમેશા નિઃસ્વાર્થભાવે તત્પર રહે છે.