________________
૧૧૮
મુક્તિ અર્થે ગુરુ સમીપ જવું જોઈએ. આવું ગુરુ-ઉપસદનનું મહત્ત્વ અને તેની ઉપયોગીતા કે અનિવાર્યતા જણાવતાં કહ્યું છે કે મોક્ષમાર્ગે પ્રયાણ કરવા ઇચ્છનારે સૌ પ્રથમ અત્યાર સુધી વર્ણવવામાં આવેલા સાધનોને આત્મસાત કરવાં જોઈએ. સાધનોની પ્રાપ્તિ કરી મોક્ષનો અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ. અધિકાર પ્રાપ્ત કર્યા બાદ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુના શરણે જવું જરૂરી છે. સ્વયંના વ્યષ્ટિ અહમ્ ને અર્થાત્ અહંકારને ગુરુના ચરણે ધરી ગુરુનો આશ્રય સ્વીકારવો જોઈએ. આમ કહી અધ્યાત્મમાર્ગે ગુરુની આવશ્યકતા ઉપર જ પૂ. શંકરાચાર્યજીએ ભાર મૂક્યો છે.
આચાર્યશ્રીના આવા વચન પાછળ ગુરુની મહત્તા વધારવાનો હેતુ નથી પરંતુ અદેશ્ય અને અગોચર એવા આ આગમ અને નિગમના પંથે કોઈ સાચો પથિક માર્ગ ભૂલી અટવાઈ ન પડે તે હેતુથી ભવરણના તરણ માટે ભોમિયા જેવા ગુરુની મદદ લેવાનું સૂચન જ માત્ર કર્યું છે. આવા સૂચન પાછળ રહેલું અન્ય રહસ્ય તો એ છે કે, વાસ્તવમાં બંધન જેવું કંઈ છે જ નહિ. છતાંય બંધનનાં અનુભવમાંથી આપણે મુક્ત થયા નથી. તેથી અનુભવાઈ રહેલું બંધન તો માત્ર કલ્પનામય જ પુરવાર થયું છે. આ અજ્ઞાનકલ્પિત બંધન હકીકતમાં અસ્તિત્વ ધરાવતું હોત તો તો દૂર કરવાના અનેક ઉપાયો હોત, અનેક રીતે તેને સરળતાથી દૂર કરી શક્યા હોત. પરંતુ બંધન માત્ર કલ્પનાજન્ય અર્થાત્ ભ્રાંતિમય છે. આવી ભ્રાંતિમાંથી મુક્ત થવા માટે, મુક્તિને પ્રાપ્ત સદ્ગુરુનો આશ્રય લેવો અનિવાર્ય છે.
આમ, જ્ઞાનપ્રાપ્તિને પંથે પ્રયાણ કરતાં પૂર્વે ગુરુના ચરણમાં શરણ ગ્રહણ કરવાની અતિમહત્ત્વની વાત કરવામાં આવી છે.
| (છંદ-અનુષ્ટ્રપ) श्रोत्रियोऽवृजिनोऽकामहतो यो ब्रह्मवित्तमः ॥३४॥ ब्रह्मण्युपरतः शान्तो निरिन्धन इवानलः । अहेतुकदयासिन्धुर्बन्धुरानमतां सताम् ॥३५॥