________________
૧૧૪
દેખાવ પૂરતાં જ હોય છે. અર્થાત્ તેઓમાં રહેલી ષટ્સપત્તિ મોક્ષરૂપી ફળપ્રાપ્તિ માટે નિરર્થક કે બીનઉપયોગી પુરવાર થાય છે.
જે મનુષ્યોમાં વિવેકવિચારપૂર્વક જાગેલો વૈરાગ્ય હોય, તથા સતત અનુભવાતા બંધનમાંથી છૂટવા માટેનો જેઓનો સંનિષ્ઠ પ્રયત્ન હોય તેવા તીવ્ર વૈરાગ્યવાન અને ઉત્કટ મુમુક્ષા સંપન્ન અધિકારી મનુષ્યો, અન્ય સાધનો જેવાં કે વિવેક, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા વગેરેને સરળતાથી, સહજતાથી હસ્તગત કરી લે છે. જેવી રીતે ટેબલનો એક પાયો જો મજબૂતાઈથી પકડીને ખેંચવામાં આવે તો બાકીના ત્રણ પાયા આપોઆપ ખેંચાઈ આવે છે. તે જ પ્રમાણે વિવેક દ્વારા જન્મેલા પ્રબળ વૈરાગ્યને જો પ્રાપ્ત કરી લેવામાં આવે તો બાકીના ત્રણ સાધનો અનાયાસે ઝડપથી પ્રાપ્ત થઈ જાય છે. તેથી જ અત્રે જણાવાયેલા શ્લોકમાં પણ આચાર્યશ્રીએ સૌપ્રથમ વૈરાગ્ય શબ્દપ્રયોગ કરી વૈરાગ્યને અગ્રતા આપી છે. તેમના અપરોક્ષાનુભૂતિ ગ્રંથમાં પણ તેમણે વૈરાગ્યને સૌ પ્રથમ વર્ણવ્યું છે, તેને પ્રાધાન્ય આપી મહત્ત્વનું પુરવાર કર્યું છે. આવા પ્રબળ વૈરાગ્ય તથા તીવ્ર મુમુક્ષા ધરાવનાર ઉત્તમ અધિકારી પ્રત્યે ગુરુકૃપા સહજ રીતે જ વરસતી હોય છે. તેને પરિણામે નિત્યાનિત્યનો વિવેક પળવારમાં સમજાય છે. તેથી શમ-દમ આદિ ષટ્યપત્તિ પણ વગર પ્રયત્ન સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થઈ જાય છે. આવા ઉત્તમ અધિકારીના સાધનો જ સાધકને સાધ્યની પ્રાપ્તિ કરાવી સિદ્ધ જાહેર કરે છે. આમ, જીવનનું પરમ લક્ષ્ય તથા પરમ પુરુષાર્થ મોક્ષની પ્રાપ્તિ દ્વારા મુમુક્ષુ કૃતાર્થ થાય છે. તેથી જ અત્રે જણાવાયું છે કે તેવા ઉત્તમ વૈરાગ્યવાન વ્યક્તિમાં રહેલા શમ-દમ આદિ ગુણો સાર્થક થાય છે, સફળ થાય છે. “તસ્મિન કવિ શમાવઃ બર્થવન્તઃ છdવન્તઃ (૧) સ્યુ:” જ્યાં આવો ઉત્તમ વૈરાગ્ય નથી પરંતુ સ્મશાનવૈરાગ્ય છે ત્યાં શમ-દમ વગેરે અનર્થકારી પુરવાર થાય છે. મૃગજળ ન તો સ્નાનાદિ માટે ઉપયોગી નીવડે કે પછી ન તો તે તૃષાતૃપ્તિનું સાધન બની શકે. તે જ પ્રમાણે સ્મશાનવૈરાગ્યસંપન્ન કે મંદમુમુક્ષાયુક્ત સાધકની પર્સપત્તિ પણ ફળશ્રુતિ વિહોણી મૃગજળ સમાન આભાસ માત્ર જ બની રહે છે. “તત્ર मरौ सलिलवत् शमादेः भासमात्रता ।"