________________
વિચાર કરવામાં આવે તો મન સંજોગમાંથી હટીને સર્જનહાર તરફ દોરાશે અને તે પરમાત્માના વિચારમાં જ એવી પ્રસન્નતા પ્રાપ્ત થશે કે દર્દ અને દુઃખ જીવનમાંથી લુપ્ત થઈ જશે. વિકટ સંજોગો પરમાત્માએ કસોટી અર્થે કે તપશ્ચર્યા શીખવવા માટે મોકલ્યા છે, તેમ માની પ્રતિક્રિયા રહિત થઈ ચિંતા, વિલાપ કે રુદનને જીવનમાંથી કાયમી વિદાય આપી પ્રસન્નતાપૂર્વક સમય પસાર કરવો જોઈએ. દુઃખ કે દર્દ તરફ જો આવો અભિગમ પ્રાપ્ત કરી શકાય તો દર્દ પણ દોલત બની જાય.
પરમાત્મા દ્વારા જો સજા થાય તો સમજવું કે તે દંડ નથી પરંતુ દયા છે. ઈશ્વરનો કોપ નથી પરંતુ કરુણા છે. ભૌતિક સુખ-સંપત્તિ જો પ્રાપ્ત થાય તો જગતને માણવામાં અને ભોગોને ભોગવવામાં ભગવાન ભુલાઈ જાય છે. પરંતુ દુખદ પરિસ્થિતિ જ પરમાત્મા પાસે જવાની પ્રેરણા પૂરી પાડે છે. જે સંજોગ પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રેરણા પૂરી પાડે તેવા સંજોગની પ્રાપ્તિથી અન્ય કે ભિન્ન બીજી કઈ મોટી દોલત કે સંપત્તિ હોઈ શકે? આવી સમજ સાથે સંજોગોનો સામનો થાય તો તેને તિતિક્ષા કહે છે. જેની પાસે તિતિક્ષારૂપી ધન છે તે સુખદ કે દુઃખદ પરિસ્થિતિમાં સમાન ભાવે રહે છે. તિતિક્ષા સંપન્ન વ્યક્તિ લોટરી લાગવા જેવા સુખદ સંજોગમાં આનંદનો અતિરેક થવા દેતા નથી. તેમ જ દેવાદાર પરિસ્થિતિમાં ભગ્નાશાથી ઘેરાઈ જતા નથી. આ પ્રમાણે સુખ આવે ત્યારે સફળતાના નશામાં છકી ન જાય અને દુઃખ પ્રાપ્ત થાય ત્યારે નિરાશા કે હતાશાના સમુદ્રમાં ડૂબી ન જાય તે જ સાચો તિતિક્ષાવાન છે.
કેટલાક અજ્ઞાનીજનો પોતાને પ્રાપ્ત થયેલા દુઃખ માટે બીજાને જવાબદાર ગણે છે. પોતાના વિકટ સંજોગો માટે અન્ય વ્યક્તિ ગુનેગાર છે તેવું માને છે. પરંતુ વાસ્તવમાં તો સુખ કે દુઃખ કોઈ કોઈને આપી શકે નહીં. સ્વયંના કર્મોનું ફળ જ આપણને સુખદ કે દુઃખદ પરિસ્થિતિ પ્રાપ્ત કરાવે છે. કર્મફળદાતા ઈશ્વર જ આપણને આપણા કર્મ પ્રમાણે ફળ પ્રદાન કરે છે. આમ પ્રાપ્ત સંજોગો આપણા પૂર્વ કર્મોનું ફળ છે અને આ કર્મફળ