________________
આવી શકે. પરંતુ વાસના સમાપ્ત ત્યારે જ થાય જ્યારે જીવનમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય. વૈરાગ્યના અંકુર ત્યારે જે ફૂટે જ્યારે વિવેક ઉપલબ્ધ થાય. પરંતુ સત્સંગ વગર વિવેક જાગી શકે નહીં. જો વિવેક પ્રાપ્ત થઈ જાય તો મનોનિગ્રહ અર્થાત્ “શમ' ઉપલબ્ધ થઈ જાય. “શમ” આવતાની સાથે જ દમ” અર્થાત્ ઇન્દ્રિયનિગ્રહ પ્રાપ્ત થઈ જાય. આમ ઈન્દ્રિય ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવું એ પ્રત્યેક મોક્ષાર્થીનું પ્રથમ કર્તવ્ય છે. જીતેન્દ્રિય હોવું તે જ જીવન્મુક્તનું લક્ષણ છે. અને તેથી જ સાધકનું સાધન છે. ગીતામાં પણ ભગવાને જણાવ્યું છે કે,
“यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ।।"
(ભ.ગીતા-અ-૨-૫૮) “જેવી રીતે કાચબો (પોતાના) અંગોને પોતાનામાં) સમાવી લે છે તેમ આ પુરુષ જ્યારે સર્વ ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લે છે ત્યારે તેની પ્રજ્ઞા (બુદ્ધિ) સ્થિર થાય છે.”આમ ઇન્દ્રિયનિગ્રહ આત્મપ્રાપ્તિના પંથે આવશ્યક નહીં બલકે અનિવાર્ય છે. અર્જુનને સંબોધતાં ભગવાન આગળ પણ જણાવે છે કે,
"तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः । वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ।।"
(ભ.ગીતા-અ-૨-૬૧) તે સઘળી ઇન્દ્રિયોને વશ કરીને ચિત્તને સ્થિર કરી “હું જ પરમાત્મા છું' તેવી બુદ્ધિયુક્ત થઈ સ્થિર બેસે છે આમ, ખરેખર જેની ઇન્દ્રિયો(પોતાના) વશમાં છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે.”
ઇન્દ્રિયો ઉપર કાબૂ કરવાથી જ ઇન્દ્રિયો વિષયભ્રમણ કરતી અટકે છે. તેમ થવાથી વાસનાઓ સમાપ્ત થાય છે અને વાસના સમાપ્ત થવાથી જ વ્યક્તિ પોતાના આત્મસ્વરૂપમાં સ્થિત થઈ જીવન્મુક્ત થઈ શકે છે.