________________
કુમારના હૃદયની કોમળતા. કોમળ હૃદયમાં જ બીજાંનાં દુઃખને દૂર કરવાની કરુણા પેદા થાય છે. કોમળતા વગર કરુણા સંભવિત ન બને. શ્રીપાલની નિર્લેપતા અને કોમળતા :
આપણી વાત ચાલે છે કમળવત્ હૃદયને નિર્લેપ અને કોમળ બનાવીને એમાં પરમાત્માનું ધ્યાન ધરવાની. જેવું કમળ નિર્લેપ અને કોમળ હોય છે એવું જ હૃદય નિર્લેપ અને કોમળ હોવું જોઈએ, અને તો જ તેમાં ૫રમાત્માનું ધ્યાન - ચિંતન થઈ શકે. આ વિષયમાં હું તમને મયણાસુંદરી અને શ્રીપાલનું શાસ્ત્ર-પ્રસિદ્ધ દૃષ્ટાંત કહી રહ્યો છું. એ દંપતીનાં હૃદય કેવાં કોમળ અને નિર્લેપ હતાં ! અને તેથી જ તો તેઓ પરમાત્માનું ધ્યાન કરી શક્યાં. શ્રીપાલની વિદેશયાત્રા :
નીરોગી થયા પછી કેટલોક સમય તે ઉજ્જયિનીમાં રહે છે. ત્યાં શ્રીપાલની માતા કમલપ્રભાનું મિલન થાય છે. મયણાનાં માતા-પિતાની સાથે સારા સંબંધો સ્થાપિત થાય છે. સુખશાંતિથી સમય પસાર થાય છે. એક દિવસે કોઈક નિમિત્તે શ્રીપાલની ઇચ્છા વિદેશ જવાની થાય છે. માતા અને પત્નીની શુભ કામનાઓ મેળવીને શ્રીપાલ એકલો જ ઉજ્જયિનીમાંથી ચાલી નીકળે છે.
ઉત્તમ પુણ્યશાળી મનુષ્યોને આકસ્મિક ભૌતિક લાભ પ્રાપ્ત થાય છે. માર્ગમાં એક વિદ્યાસાધક પુરુષ મળે છે. શ્રીપાલની સહાયતાથી એને સહજ રીતે વિદ્યાપ્રાપ્તિ થાય છે. એ વિદ્યાસાધક શ્રીપાલને બે વિદ્યાઓ આપે છે - એક હતી જલતારિણી અને બીજી હતી શસ્ત્રવારિણી.
ત્યાંથી આગળ વધતાં એક ગુફામાં એક ધાતુવાદી સુવર્ણસિદ્ધિ કરી રહ્યો હતો. એ એને મળ્યો. શ્રીપાલના સાન્નિધ્યમાત્રથી જ એને સુવર્ણસિદ્ધિ થઈ જાય છે. એ ધાતુવાદી શ્રીપાલને આગ્રહ કરીને કેટલુંક સોનું આપે છે. કુમાર એ સોનું લઈને ભૃગુકચ્છ પહોંચે છે. ભૃગુકચ્છ એ વર્તમાન ભરૂચ - ગુજરાતનું એક નગર. ભરૂચમાં ધવલશેઠનું મિલન :
ભરૂચમાં શ્રીપાલ સાથે કૌશામ્બી નગરીના ધનાઢ્ય ધવલશેઠનું મિલન થઈ જાય છે. મારે ધવલશેઠ અને શ્રીપાલ સંબંધી તમને કેટલીક વાતો કહેવી છે. શ્રીપાલની નિર્લેપતા અને કોમળતા એની સાથે ધવલશેઠની દુષ્ટતા, કઠોરતા અને દુર્જનતા પણ કહેવી છે. ભરૂચથી જ શ્રીપાલના ધવલશેઠ ઉપર ઉપકારો શરૂ થઈ જાય છે. તેનાં વહાણ પાણીમાં ચાલતાં ન હતાં, દૈવી ઉપદ્રવ હતો, શ્રીપાલના સિદ્ધચક્રના ધ્યાનથી વહાણો ચાલવા લાગ્યાં. શ્રીપાલે ધવલના વહાણમાં જ વિદેશયાત્રા શરૂ કરી.
અશુચિ ભાવના
૭૯