________________
એક કથા - જિનપાલિત-જિનરક્ષિતની :
જિનરક્ષિતનો કેવો સર્વનાશ થયો અને જિનપાલિત કેવી રીતે ધર્મપથ ઉપર ચાલતાં સુખી થયો, એ વાત આજે તમને કહું છું. અતિ રોમાંચક વાર્તા છે. શાસ્ત્રોમાં કહેલી વાર્તા છે.
‘ચંપા’ નામે નગરી હતી. એ નગરીમાં માકંદી' નામનો ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. કુબેર સમાન એની ઋદ્ધિ હતી અને એ દાન પણ એટલા જ ઉદાર દિલથી ખુલ્લા હાથે આપતો હતો. સર્વત્ર એ ‘દાનેશ્વરી’ના રૂપમાં પ્રશંસા પામતો હતો. એને બે પુત્રો હતા - જિનપાલિત અને જિનરક્ષિત. બંને ભાઈઓ કાર્યદક્ષ હતા. વ્યવહારકુશળ અને બુદ્ધિશાળી હતા. વેપારમાં તેઓ ખૂબ જ સાહસિક હતા. એમનો વેપા૨ સમુદ્રમાર્ગે થતો હતો. તેઓ સમુદ્રમાર્ગેથી ૧૧ વા૨ વિદેશયાત્રા કરી ચૂક્યા હતા. બંને ધન કમાવામાં આસક્ત હતા. તેઓ બારમી વાર વિદેશયાત્રા કરવા તત્પર બન્યા. શ્રેષ્ઠી માકંદીએ ના પાડી; પરંતુ બંને પુત્રોએ વાત ન માની. માતાએ પણ ના પાડી, તો પણ તેઓ માન્યા નહીં. ધનાર્જન માટે તેઓ પાગલ બન્યા હતા. ૧૧-૧૧ વાર તેમણે સફળતાનાં શિખરો સર કર્યાં હતાં. તેમણે જહાજ તૈયાર કર્યાં. માલ ભર્યો અને ચાલી નીકળ્યા વિદેશયાત્રાએ.
પરંતુ આ વખતે દુર્ભાગ્યે હુમલો કરી દીધો. સાગરમાં ભયાનક તોફાન આવ્યું. જહાજ ઊછળવા લાગ્યું અને એમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ. બંને ભાઈઓ બળવાન હતા, બુદ્ધિશાળી હતા. વહાણને બચાવવા જીવ પર આવીને પ્રયત્નો કર્યા. જહાજ ઉપ૨ જળતરંગોના પ્રહારો થવા લાગ્યા. તૂટીને એ જહાજ સાગરમાં ડૂબવા લાગ્યું. બંને ભાઈઓએ જહાજનું એક તૂટેલું પાટિયું પકડી લીધું. સર્વસ્વ લુપ્ત-નષ્ટ થઈ ગયું. પરંતુ બે ભાઈઓ વિક્ષુબ્ધ ન થયા. પૂર્ણ સાહસથી તેઓ લાકડાના પાટિયાને વળગી રહ્યા. થોડી વાર પછી સમુદ્ર શાન્ત થઈ ગયો. પાટિયું તરતું રહ્યું. બે દિવસ અને બે રાત સુધી ભૂખ્યાતરસ્યા જિનપાલિત-જ઼િનરક્ષિત પાટિયાના સહારે તરતા રહ્યા. ત્રીજે દિવસે તેઓ એક નિર્જન બેટને કિનારે પહોંચ્યા.
તેઓ દ્વીપ ઉપર આવ્યા. દ્વીપ વિવિધ પ્રકારનાં વૃક્ષોથી હર્યોભર્યો હતો. સ્વાદિષ્ટ જળનાં ઝરણાં પણ વહેતાં હતાં. બંને ભાઈઓએ પેટ ભરીને ફળ ખાધાં, પાણી પીધું અને નારિયેળના વૃક્ષ નીચે બેસીને વાતો કરવા લાગ્યા.
માતા-પિતા પ્રથમ ગુરુ :
જિનપાલિતે જિનરક્ષિતને કહ્યું : “જો આપણે માતા-પિતાની વાત માની હોત તો આપણી આ દુર્દશા ન થાત.” જિનરક્ષિતે કહ્યું : ‘૧૧ વાર સફળતા મળી છે, તો એક વાર નિષ્ફળતા પણ અનુભવવી પડે.’
૨૬૪
શાન્તસુધારસ : ભાગ ૨