________________
આ ભાવના સુરલતા છે. કલ્પલતા છે. તું તારા હૃદયઉદ્યાનમાં એ સુરલતાને રોપી દે. એ સુરલતા તારાં સુકૃતોના વૃક્ષને સહારે ઉપર ચડશે, વિસ્તૃત થશે. એની ઉપર શ્રેષ્ઠ ફળ બેસશે.
૨. એ ભાવના - સુરલતાને પામવા માટે સર્વ પ્રથમ તું ક્ષેત્રશુદ્ધિ કરજે. પછી એ ખેતરમાં કરુણાનું પાણી નાખજે. ખેતરમાંથી મિથ્યાત્વ વગેરે કાંટા દૂર કરી દેજે. ખેતરની સુરક્ષા માટે ત્રણ ગુપ્તિરૂપ વાડ ચારે કોર કરી દેજે. પછી સુ-મતિ (સબુદ્ધિ) રૂપ નીક - નાળ દ્વારા એમાં કરુણાનું પાણી વહેવડાવજે. ૩. એ નીક - નાળ દ્વારા સદ્ગુરુનાં વચનામૃત એ ખેતરમાં વહેવડાવવાં. ખેતરમાં અહીંતહીં ફેલાયેલા કુમતિરૂપ બાવળો જેવાં વૃક્ષો દૂર કરી દેવાં. કુમતિનો સંગ ન કરવો. એ ભાવનારૂપ સુરલતાને ક્ષત-વિક્ષત કરનારા ક્રોધમાનાદિક સુકરોને - ભૂંડોને અને કામવિકારરૂપ વાંદરાઓને દૂર કાઢી મૂકવા.
૪. આ ભાવના, સુરલતાની આરાધનાથી ૧૫૦૩ તાપસ શ્રમણો બની ગયા હતા અને ગૌતમ સ્વામીના શિષ્ય બનીને મોક્ષમાં ગયા હતા. આ બધો દેવ-ગુરુ ધર્મનો જ પ્રભાવ છે.
૫. આ ધર્મની આરાધનાથી શુક-પરિવ્રાજક મુક્તિ પામ્યા હતા. અર્જુન માલીએ મોક્ષ મેળવ્યો હતો. પ્રદેશી રાજા નિષ્પાપ બન્યા હતા. એમના તમામ દુઃખનાં બંધનો તૂટી ગયાં હતાં.
૬. આ દુષમ કાળમાં પાંચમા આરાના અંતમાં શ્રી દુપ્પસહસૂરિ હશે, ત્યાં સુધી જિનશાસન અવિચળ રહેશે; એટલા માટે જે ભવ્ય જીવ ભાવપૂર્વક ધર્મની આરાધના કરે છે, તે ગુણભંડાર બને છે અને એની બુદ્ધિ નિર્મળ બને છે. જો ધર્મ ન હોય તો :
આવો મહાન ધર્મ જ્યાં સુધી જીવનમાં હોતો નથી ત્યાં સુધી ભાગ્ય, ગ્રહદોષ, સમયનો ફેર... વક્રદૃષ્ટિ વગેરેમાં માનવી ગુંચવાતો જ રહે છે. મનમાં અનેક પ્રકારનાં તોફાનો ઊમટે છે. વૈભવ-સંપત્તિ હોવાં છતાં પણ મનુષ્ય ઉદાસી, સંતાપ અને વ્યથાનો બોજ ઊઠાવીને જીવે છે અને મનુષ્યનું જીવન વ્યર્થ વહી જાય છે. એટલું સદાય યાદ રાખો કે સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. તમે મનુષ્ય છો. ધર્મમય ચિંતન, ધર્મમય ચારિત્ર અને ધર્મમય વ્યવહારની ઉત્કૃષ્ટતા ટકાવી રાખો. એમાં ભલેને ગમે તેટલું નુકસાન ભોગવવું પડે. ધર્મના આદર્શો પ્રત્યે દૃઢતા અને એ માર્ગ ઉપર ચાલતાં મુશ્કેલીઓ સામે લડવું પડે એ તપશ્ચર્યા છે. એમાં જ તમારું શૌર્ય અને સાહસ છે. વિલાસ, વ્યામોહ, અહંકાર અને પૂર્વગ્રહોનાં સ્વપ્નોમાં ફસાઓ નહીં. જો ફસાયા તો સર્વનાશ થઈ જશે.
ધર્મપ્રભાવ ભાવના
૨૦૩