________________
પલાશપત્રના આચ્છાદનથી આચ્છાદિત ઘાસની ભીંતવાળા અને નિર્જીવ ભૂમિ ઉપર બનેલા ઉપાશ્રયમાં તેણે પ્રવેશ કર્યો. તેણે ધર્મઘોષ સૂરિજીનાં દર્શન કર્યાં. જેમ કે આચાર્ય પાપસમુદ્રનું મંથન કરતા હોય, જાણે સ્વયં મોક્ષમાર્ગ હોય... ધર્મની સાક્ષાત્ મૂર્તિ હોય, સૂર્યના તેજથી વધારે તેજસ્વી હોય... ધન સાર્થવાહ હર્ષથી ગદિત થઈ ગયો. સાર્થવાહે પોતાના મિત્ર મણિભદ્રને કહ્યું : ‘મિત્ર, આચાર્યદેવ તો મને સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા લાગે છે. મહાન તપસ્વી લાગે છે.’
તેણે બે હાથ જોડીને આચાર્યદેવને નતમસ્તકે વંદન કર્યાં. આચાર્યદેવને કહ્યું : ‘હે ભગવન્, મેં આપની સાથે દ્રોહ કર્યો છે. વર્ષાઋતુના પ્રારંભથી મેં આપનાં દર્શન નથી કર્યાં, વંદન નથી કર્યાં, ન ભોજન આપ્યું, ન વસ્ત્રો આપ્યાં.....આપનો કોઈ પણ પ્રકારે સત્કાર નથી કર્યો... આપની અવજ્ઞા કરી... મેં વચનભંગ કર્યો. હે ગુરુદેવ, મારા આ પ્રમાદ-આચરણ માટે મને ક્ષમા કરો. આપ તો પૃથ્વી જેવા ક્ષમાશીલ છો.’
સાર્થવાહનાં વિનમ્ર અને પશ્ચાત્તાપપૂર્ણ વચન સાંભળીને ચંદન કરતાંય વધારે શીતળ વચનોમાં આચાર્યદેવે કહ્યું : “સાર્થવાહ, માર્ગમાં હિંસક પશુઓથી અમારી રક્ષા તેં જ કરી છે. ચોરોથી ય રક્ષા તેં જ કરી છે. એ દૃષ્ટિએ તે અમારો સર્વ પ્રકારે સત્કાર કર્યો જ છે અને સાથેના માણસો અમને યોગ્ય ભોજન પણ આપે છે. એટલા માટે અમને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. મહાનુભાવ, તું કોઈ પણ પ્રકારે ખેદ કરીશ નહીં."
સાર્થવાહે કહ્યું : “સંત પુરુષો સદૈવ ગુણ જ જુએ છે. આપ મારી ઉપર પ્રસન્ન છો, તો આહાર ગ્રહણ કરતા સાધુઓને મારી સાથે મોકલો. મારી ઇચ્છા અનુસાર આહાર આપીને કૃતાર્થ બનું.”
આચાર્યદેવે બે સાધુઓને મોકલ્યા. સાર્થવાહે ઘરમાં જોયું કે સાધુઓને યોગ્ય ભોજન છે કે નહીં. તેણે તાજા ઘીથી ભરેલું પાત્ર જોયું. પાત્ર ઊપાડ્યું. સાધુએ પાત્ર ધર્યું, સાર્થવાહે સાધુના પાત્રમાં ઘી ભરી દીધું, આનંદથી નાચી ઊઠ્યો. બોલ્યો : “હું ધન્ય થઈ ગયો. કૃતાર્થ થઈ ગયો. હું પુણ્યશાળી બની ગયો.” તેનાં રોમેરોમ વિકસ્વર થઈ ગયાં. તેણે બંને મુનિવરોને વંદના કરી. મુનિવરો “ધર્મલાભ’નો આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. સાર્થવાહે દાનધર્મના પ્રભાવથી મોક્ષવૃક્ષનાં બી સ્વરૂપ ‘બોધિબીજ’ પ્રાપ્ત કરી લીધાં.
શીલધર્મ :
ચાર પ્રકારના ધર્મોમાં બીજો છે શીલધર્મ. શીલધર્મનો અદ્ભુત મહિમા બતાવતાં કહેવામાં આવ્યું છે કે
૨૪૮
શાન્તસુધારસ : ભાગ ૨