________________
૫૨મોપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’ મહાકાવ્યમાં નવમી ‘નિર્જરા ભાવના’નું ગાન કરે છે. આ ભાવનાનો પ્રારંભ કરતાં સર્વપ્રથમ આપણે નિર્જરા ભાવનાના વિષયમાં આત્મલક્ષી ચિંતન કરીશું. ‘નિર્જરા’ના વિષયમાં આત્મચિંતન :
ક્યારે એવો ધન્ય અવસર આવશે કે જ્યારે મારો આત્મા સંવૃત્ત બની જશે ? આસ્રવ-દ્વારોને બંધ કરીને આત્મામાં પૂર્વ પ્રવિષ્ટ અનંત-અનંત કર્મોનો મારે નાશ ક૨વાનો છે. નવાં કર્મો બંધાય નહીં અને પૂર્વબદ્ધ કર્મ નષ્ટ થઈ જાય ત્યારે જ મારો આત્મા શુદ્ધ બનશે - શુદ્ધ થશે અને મુક્ત થશે.
હું જાણું છું કે સંવૃત્ત આત્માની તપશ્ચર્યા પૂર્વગૃહીત કર્મોની નિર્જરા કરવામાં, ક્ષય ક૨વામાં સમર્થ થાય છે, પરંતુ આસ્રવ-દ્વારોને બંધ કરીને સંવૃત્ત થવું કેટલું કઠણ કાર્ય છે, તે પણ હું સમજું છું. પણ અંતઃકરણની ચાહના છે કે એવો પુણ્ય અવસર મને મળે કે સર્વ સંવર કરવા હું સક્ષમ બનું.
સમગ્ર દર્શન પ્રાપ્ત કરીને મેં મિથ્યાત્વનાં દ્વાર બંધ કરી દીધાં છે. વ્રત-મહાવ્રતો ગ્રહણ કરીને અવિરતિનું આસ્રવ-દ્વાર પણ બંધ કરી દીધું છે. પણ પ્રમાદ અને કષાયનાં દ્વાર કંઈક ખુલ્લાં રહી ગયાં છે. મન-વચન-કાયાની શુભ અને અશુભ પ્રવૃત્તિઓ ચાલુ જ રહે છે. એટલા માટે ત્રણ આસ્રવ-દ્વાર બંધ કરવાનું કાર્ય ચાલુ થાય ત્યારે જ એક સોનેરી સવાર એવી ઊગશે કે બધાં કર્મોનાં બંધનોથી મારો આત્મા મુક્ત થઈ જશે.
આત્માને સર્વ સંકલ્પોથી મુક્ત કરવાનો મેં સંકલ્પ કર્યો છે. એટલે કે એ કર્મોને નષ્ટ કરવા અલગ અલગ રસ્તાઓનો - ઉપાયોનો આધાર લઈશ. ગ્રંથકાર શ્રેષ્ઠ ઉપાય બતાવે છે - તપશ્ચર્યાનો. મને એમના આ કથન ઉપર વિશ્વાસ થઈ ગયો છે. જેવી રીતે શરીરમાં ઉત્પન્ન થયેલું અજીર્ણ કે અન્ય રોગો લંઘન યા ઉપવાસ વગેરેથી મટે છે, એ રીતે જ તપશ્ચર્યાથી કર્મો નષ્ટ થઈ જાય છે. હું બાહ્ય અને આત્યંતર તપ કરીશ. તપશ્ચર્યાથી મારા જીવનની એક-એક ક્ષણને નવપલ્લવિત કરીશ. નિર્જરાનો એક જ પ્રકાર - તપશ્ચર્યા :
‘નિર્જરા ભાવના’ ની પ્રસ્તાવનાના પ્રારંભમાં ગ્રંથકાર કહે છે -
यन्निर्जरा द्वादशधा निरुक्ता, तद् द्वादशानां तपसां विभेदात् । हेतुप्रभेदादिह कार्यभेदः स्वातंत्र्यतस्त्वेकविधैव सा स्यात् ॥ બાર પ્રકારના તપના ભેદોને કારણે નિર્જરા પણ બાર પ્રકારની બતાવી છે. ઉપાય અલગ અલગ હોવાથી જ અહીં ભેદ બતાવવામાં આવ્યા છે. નહીંતર
શાન્તસુધારસ : ભાગ ૨
૧૯૨