________________
*વિષયના વિકારોને દૂર કર; ક્રોધ, માન, માયા અને લોભરૂપ શત્રુઓ ઉપર સહજતાથી વિજય પ્રાપ્ત કરીને, કષાયમુક્ત થઈને શીઘ્રતાથી સંયમગુણની
આરાધના કર.'
ગ્રંથકાર સંયમધર્મની આરાધના કરવા માટેનો ઉપદેશ આપે છે. સંયમધર્મના પાલનથી વિષયવિકારો દૂર થાય છે. કષાયો ઉપર વિજય પામી શકાય છે. સંયમ સત્તર પ્રકારનો :
સંયમ એટલે પાપસ્થાનેથી સાચા અર્થમાં વિરામ પામવો. મુનિજનને આવા સત્તર પ્રકારના પાપસ્થાનોમાંથી વિરામ પામવાનો હોય છે. એટલે કે એ સત્તર પાપસ્થાનોને ત્યજી દેવાનાં હોય છે.
પાંચ આસ્રવોથી વિરતિ :
જેને કારણે કર્મપ્રવાહ આત્મભૂમિ ઉપર વહી આવે છે એને આસ્રવ કહે છે. આમ તો આસ્રવો અસંખ્ય છે, પરંતુ મુખ્ય રૂપે પાંચ આસ્રવો બતાવવામાં આવ્યા
છે.
૧. પ્રાણાતિપાત : ‘પ્રાણ’ એટલે જીવ અને અતિપાત એટલે વિનાશ. જીવોનો નાશ ક૨વાથી પાપકર્મો આત્મામાં ચાલ્યાં આવે છે. એટલે કે જીવાત્મા પાપકર્મો બાંધે છે. એટલા માટે ‘હું ત્રિવિધ-ત્રિવિધતયા પ્રાણોનો નાશ નહીં કરું’ એવા પ્રકારની પ્રતિજ્ઞા કરવી એ પ્રથમ પ્રકારનો સંયમ છે.
૨. મૃષાવાદઃ મૃષા એટલે અસત્ય. અસત્ય બોલવાથી પાપકર્મો બંધાય છે. એટલા માટે ત્રિવિધ પ્રકારથી અસત્ય નહીં બોલું, એવી પ્રતિજ્ઞા કરવી એ બીજો સંયમ ધર્મ છે.
૩. અદત્ત દાન : અદત્ત એટલે કે ન આપેલું. ન આપેલું લેવામાં પાપ લાગે છે, ‘હું ત્રિવિધ- ત્રિવિધરૂપે અદત્ત દાનનો ત્યાગ કરું છું.' એવી પ્રતિજ્ઞા એ ત્રીજો સંયમ ધર્મ છે.
૪. મૈથુન : મૈથુન એટલે કે અબ્રહ્મ. ‘હું ત્રિવિધ-ત્રિવિધરૂપે મૈથુનનો ત્યાગ કરું છું.’ એવી પ્રતિજ્ઞા કરવી એ ચોથા પ્રકારનો સંયમ છે.
૫. પરિગ્રહ : પરિગ્રહ એટલે જડ-ચેતન પદાર્થોનો સંગ્રહ અને એની ઉ૫૨ મમત્વ કરવું. ‘હું ત્રિવિધ-ત્રિવિધરૂપે પરિગ્રહનો ત્યાગ કરું છું.’ એવી પ્રતિજ્ઞા ધારણ કરવી એ પાંચમો સંયમ છે.
૧૭૦
શાન્તસુધારસ : ભાગ ૨