________________
આ રીતે સ્વચ્છ હૃદય દ્વારા આસ્રવોના દ્વારોને બંધ કરીને સ્થિર થયેલું જીવાત્મારૂપી જહાજ, પ્રાજ્ઞ પુરુષોનાં વાક્યોમાં શ્રદ્ધારૂપ ઝળહળતા શઢથી સુસજ્જ બનીને શુદ્ધ યોગરૂપી હવાથી તરતું તરતું નિર્વાણપુરી સુધી પહોંચી જાય છે. પ્રતીકાત્મક રીતે ગ્રંથકારે મોક્ષપ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે.
જહાજ = જીવાત્મા (સ્થિર જીવાત્મા)
શઢ = જિનવચનોમાં શ્રદ્ધા
હવા = શુદ્ધ યોગ
સ્થિર જીવાત્મા મોક્ષપ્રાપ્તિ કરી શકે છે ઃ
જીવાત્મામાં સ્થિરતા ત્યારે જ આવે છે કે જ્યારે તે આસ્રવોના દ્વાર બંધ કરી દે છે અને તેનું હૃદય સ્વચ્છ થાય છે. જ્યાં સુધી આસ્રવોના (અશુભ) દ્વાર ખુલ્લાં રહેશે ત્યાં સુધી હ્રદય સ્વચ્છ નહીં બને. આસ્રવોના દ્વાર આમ તો અનાદિકાળથી ખુલ્લાં છે. એ દ્વારોને બંધ ક૨વાં સરળ કામ નથી. પરંતુ જ્ઞાની પુરુષોનાં વચનોમાં શ્રદ્ધા બેસે છે ત્યારે તે સરળ બની જાય છે - જિનવચનોથી આત્મા ભાવિત બની જાય છે ત્યારે જ તે સરળ બને છે.
.
જે સમયે ભરત ચક્રવર્તીએ પોતાના ૯૯ ભાઈઓને પોતાને આધીન થવા સંદેશો મોકલ્યો કે “તમે બધા મારી આજ્ઞા માનો, હું ચક્રવર્તી થવાનો છું. ” ૯૯ ભાઈઓનાં પોતપોતાનાં સ્વતંત્ર રાજ્ય હતાં. તે બધા ભરતને આધીન થવા માગતા ન હતા. બાહુબલીને છોડીને ૯૮ ભાઈઓ એકઠા થયા અને ભરતની આજ્ઞા ઉપર વિચાર કર્યો.
પહેલાં તો ઉત્તેજિત ૯૮ ભાઈઓએ ભરતની સાથે યુદ્ધ કરીને પોતાનાં રાજ્યોની સ્વતંત્રતા અખંડિત રાખવાનો વિચાર કર્યો. પરંતુ પાછળથી પિતા તીર્થંકર પરમાત્મા ઋષભદેવની આ વિષયમાં સલાહ લઈને ‘શું કરવું’ એનો નિર્ણય ક૨વાનો વિચાર કર્યો. ૯૮ ભાઈઓ ભગવાન ઋષભદેવ પાસે પહોંચ્યા અને આખીય વાત જણાવી. ભગવાને ૯૮ પુત્રોને સારી રીતે સાંભળ્યા પછી કહ્યું : “બહારના શત્રુઓ સામે લડતા રહેશો તો અંદરના શત્રુ કામ, ક્રોધ, લોભ આદિની સાથે ક્યારે યુદ્ધ કરશો ? તેમને પરાજિત કરીને શાશ્વત્ વિજય ક્યારે પામશો ?”
“સંસારમાં તો એક શત્રુ પછી બીજો શત્રુ ઉત્પન્ન થતો જ રહેશે. જિંદગી યુદ્ધોમાં વ્યતીત કરશો તો મુક્તિ કેવી રીતે પામશો ? કોનું રાજ્ય ? કોની સ્વતંત્રતા ? આત્માને કર્મ બંધનોથી મુક્ત કરો.”
૧૪
શાન્તસુધારસ : ભાગ ૨