________________
માનથી, અભિમાનથી અન્ધ બનેલ જીવ આત્મતત્ત્વને સમજી શકતો નથી. પરમાત્મતત્ત્વ સાથે એનો સોગંદ ખાવા જેટલો ય સંબંધ હોતો નથી. એ મોક્ષમાર્ગ ઉપર તો ઠીક સંસારમાર્ગ ઉપર પણ સુખશાન્તિ અને સમૃદ્ધિ પામી શકતો નથી.
એટલા માટે કહું છું કે અભિમાન છોડી દો. ૫૨૫દાર્થ લઈને કોઈ પણ પ્રકારનું અભિમાન કરવા જેવું નથી. સ્વોત્કર્ષ અને પરાપકર્ષ દ્વારા તું પ્રગાઢ પાપ બાંધીશ. સાધનાના માર્ગમાંથી ભ્રષ્ટ થતાં વાર નહીં લાગે. અભિમાની જીવાત્મા મોક્ષમાર્ગનો પથિક થઈ જ શકતો નથી. એટલા માટે નમ્રતાથી અભિમાનનો નિગ્રહ કરો.
વિનમ્રતાથી અભ્યસ્ત રહેવા માટે સ્વદોષ દર્શન અને પરગુણ દર્શન કરતા રહો. સ્વદોષ દર્શનથી સ્વઉત્કર્ષ ગળી જશે અને પરગુણ દર્શનથી પરાપકર્ષની કલ્પનાઓ તૂટી જશે. સ્વઉત્કર્ષની તીવ્ર લગની અને પરાપકર્ષની ઉત્કટ ભાવના તમને વિનમ્ર બનવા નહીં દે. સ્વઉત્કર્ષની ભાવનામાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. પરાપકર્ષની ભાવના તિરસ્કારને જન્મ આપે છે.
હૃદયમાંથી અહંકાર અને તિરસ્કાર દૂર થતાં જ મૃદુતાનું સંચરણ થશે તમારી અંદર. મૃદુતા-નમ્રતા તમારી અંદર દિવ્ય અને પવિત્ર વિચારોને જન્મ આપશે. તમારા હૃદયમંદિરને સ્વચ્છ, સુંદર અને આકર્ષક બનાવી દેશે. શ્રેષ્ઠ ગુણસમૃદ્ધિ પ્રકટ થશે. સરળતાથી માયાને નિગૃહિત કરો :
માયા સ્વયં એક મોટી અશુદ્ધિ છે. માયા એક પ્રચંડ આગ છે. માયાની આગમાં તમામ આંતરગુણ સમૃદ્ધિ-સંપત્તિ બળીને રાખ થઈ જાય છે. સર્વનાશ થઈ જાય છે. આંતરવિકાસનાં દ્વાર બંધ થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ન ધર્મમારાપયત્યશુદ્ધાત્મા - અશુદ્ધ-માયાવી જીવ ધર્મની આરાધના કરી શકતો નથી.
એટલા માટે આર્જવથી - સરળતાથી માયાને નષ્ટ કરો. માયા ઉપર સંયમ રાખો. ગુરુજનો સમક્ષ ભવસાગરની પાર લઈ જનારા સદ્ગુરુની આગળ સરળ બનો. જે સદ્ગુરુઓ - સત્પુરુષોને સહારે તમારે સંસારની કેદમાંથી છૂટવાનું છે, આત્માને વિશુદ્ધ બનાવવાનો છે, એમનાથી તમે તમારી માનસિકતા છુપાવવાનો પ્રયત્ન ન કરો. તમે એવા સત્પુરુષો પ્રત્યે એટલા તો શ્રદ્ધાવાન રહો જ કે ‘તમે એમની સમક્ષ જે કંઈ આત્મનિવેદન કરશો તે વાતો તેમના સાગર જેવા પેટમાં સમાઈ જશે.'
એ ગીતાર્થ પુરુષો સદાય સરળ, માયારહિત જીવો પ્રત્યે સ્નેહપૂર્ણ દૃષ્ટિથી જુએ છે. ઉત્તમતાની નજરે જુએ છે.
સંવર ભાવના
૧૬૧