________________
હવે ચાલો સંવર ભાવનાની પ્રસ્તાવનાના ત્રીજા શ્લોક ઉપર વિવેચન કરીએ. क्रोधं क्षान्त्या मार्दवेनाभिमानं हन्या मायामार्जवेनोज्वलेन ।
लोभं वारांराशिरौद्रं निरुंध्याः सन्तोषेण प्राशुंना सेतुनेव ॥ ३ ॥ ક્ષમા દ્વારા ક્રોધને, નમ્રતા દ્વારા માનને, પારદર્શી સરળતા દ્વારા માયાને અને સંતોષરૂપ સેતુ દ્વારા સાગર જેવા વિશાળ લોભને નિગૃહિત કરો. ક્ષમાથી ક્રોધને નિગૃહિત કરો :
શા માટે તમે ક્રોધી બનો છો ? શા માટે કોઈ પણ જીવાત્મા સાથે વેરદુશ્મનાવટની ગાંઠ બાંધો છો ? તમને ખબર છે કે એનાથી તમે તમારી જાતને જ નુકસાન કરી રહ્યા છો ? તમારું મન બેકાબૂ બની જાય છે. તમારું લોહી ઉકળી ઊઠે છે. એની અસર તમારી વાણી ઉપર પડે છે અને તમારા આચરણ ઉપર પણ પડે છે. તમે ન બોલવાનું બોલી બેસો છો. ન કરવાનું કરી બેસો છો. એનાથી તમારી માનવતા લજ્જિત થાય છે. એટલા માટે ક્રોધ ઉપર વિજય મેળવવાનો છે. ક્ષમા દ્વારા વિજય પામવાનો છે.
ક્ષમા ધર્મને આત્મસાત્ કરો. તમારા અપરાધીને પણ ક્ષમા આપો. ક્ષમાની શક્તિ ઉપર વિશ્વાસ રાખો. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કેવા કેવા ગુનેગારોને પણ ક્ષમા આપી હતી ? એ શું તમે જાણતા નથી ? ભગવાને કહ્યું છે -
यः उपशाम्यति अस्ति तस्याराधनं,
यो नोपशाम्यति नास्ति तस्याराधनं, तस्मादात्मनोपशमितव्यम् ।
જે ક્ષમા આપે છે, કષાયોને ઉપશાન્ત કરે છે એ આરાધક છે; જે કષાયોને ઉપશાન્ત નથી કરતો તે આરાધક નથી. એટલા માટે મોક્ષના આરાધક બનવા માટે આત્માને ઉપશાન્ત કરો.
ક્ષમા ગુણરત્નોની પેટી છે. ક્ષમાની પેટીમાં ગુણરૂપી રત્નો ભર્યાં પડ્યાં છે. એ પેટીને કદી ગુમાવી નહીં બેસતા ! એ પેટીને સદૈવ પાસે રાખો.
નમ્રતાથી માનને નિગૃહિત કરો :
અભિમાનનો નિગ્રહ નમ્રતાથી થાય છે. અભિમાની મનુષ્ય ગુરુજનોનો અનાદર કરે છે. અહંકારથી ઉન્મત્ત જીવ અન્ય જીવોનો તિરસ્કાર કરે છે. આત્મકલ્યાણના પથ ઉપર એવા અભિમાની માણસો ચાલી શકતા નથી. આત્મા સાથે એમનો કોઈ સંબંધ રહેતો નથી. એમનો સંબંધ હોય છે આત્માથી ભિન્ન એવી બહારની દુનિયા સાથે.
૧૬૦
શાન્તસુધારસ : ભાગ ૨