________________
તોડવો જ પડશે. પુદ્ગલ પ્રેમે જ વિનાશ વેર્યો છે. વિષયાસક્તિથી કેટલાય જીવ દુર્ગતિમાં જાય છે અને દુઃખી થાય છે. વિષયાસક્તિને કારણે જ જીવ અવિચારીવ્યભિચારી બને છે. અવિચારી અને વ્યભિચારી જીવ આ સંસારમાં કયું દુઃખ પામતો નથી ?
પુદ્ગલ પ્રેમથી જ જન્મ-જરા અને મૃત્યુ ઃ
જેવી રીતે વિષયાસક્તિ પુદ્ગલ પ્રેમથી થાય છે એ રીતે જન્મ, જરા, મૃત્યુ પણ પુદ્ગલને કારણે જ થાય છે. જન્મ, જરા, મૃત્યુનાં દારુણ દુઃખ કર્મપુદ્ગલને કારણે જ થાય છે. જ્યાં સુધી જીવ આયુષ્યકર્મ બાંધતો રહે છે ત્યાં સુધી જન્મ-મૃત્યુ નિશ્ચિત હોય છે. આમ તો આત્મા અજર-અમર છે. જ્યારે આયુષ્યકર્મનો ક્ષય થાય છે ત્યાર પછી જીવને કદી જન્મ લેવો પડતો નથી. જન્મ નહીં તો જરા નહીં અને મૃત્યુ પણ નહીં.
જન્મ જરા મરણાદિક ચેતન નાનાવિધ દુઃખ પાવે. પુદ્ગલ સંગ નિવારત તિણ દિન, અજર અમર હો જાવે.
જો જન્મ લેવો ન હોય અને વૃદ્ધાવસ્થા ન જોઈતી હોય, મૃત્યુનું દુઃખ જોઈતું ન હોય, તો પુદ્ગલ પ્રેમ તોડવો જ પડશે. આ દૃષ્ટિએ તીર્થંકરોએ પુદ્દગલજન્ય સુખોનો ત્યાગ કરવાનું કહ્યું છે. સુખોનાં સાધનોનો મોહ આ દૃષ્ટિથી તોડવો પડશે. પુદ્ગલ પ્રેમથી જ કર્મબંધ :
જેવી રીતે જન્મ, જરા અને મૃત્યુ પુદ્ગલ પ્રેમથી થાય છે, એ રીતે કર્મોનું બંધન પણ પુદ્ગલ પ્રેમને કારણે જ થાય છે.
ભૂલતા નહીં, આપણી વાત અન્યત્વ ભાવનાની ચાલી રહી છે. આપણો આત્મા પુદ્ગલ કરતાં ‘અન્ય’ છે, જુદો છે, ભિન્ન છે - એ વાતનું ચિંતન કરવાનું છે. જેનાથી આપણો આત્મા ભિન્ન છે એ પુદ્દગલ દ્રવ્યને ભિન્ન ન માનતાં આપણે આપણું જ માની રહ્યા છીએ, એનાથી આપણો કેટલો અને કેવો વિનાશ થઈ રહ્યો છે એ સારી રીતે સમજશો તો ‘ભેદજ્ઞાન’ થશે.
પુદ્દગલ દ્રવ્યના પ્રેમથી જ પુદ્ગલ કર્મનો અને પાપકર્મોનો બંધ થાય છે. પુદ્ગલ ભાવો પ્રત્યે રાગદ્વેષ કરતો રહે છે જીવ અને કર્મબંધ પણ કરતો રહે છે. જીવ જાણે કે ન જાણે, કર્મબંધ તો થતો જ જાય છે.
પુદ્ગલ રાગ કરી ચેતનકું, હોત કર્મ કો બંધ, પુદ્ગલ રાગ વિસારત મનથી, નિરાગી નિબંધ,
આમ તો મૂળભૂત સ્વરૂપમાં આત્મ વીતરાગી છે, એટલા માટે તે નિર્બંધ હોય છે.
શાન્તસુધારસ : ભાગ ૨