________________
વિનયવિવેક અને સંયમના પાલનમાં શિથિલ બન્યો. ઓહ....! કેટલો પ્રમાદ? અપ્રમત્ત ભાવોને પામવાનું લક્ષ્ય જ ભૂલી ગયો ! અપ્રમત્ત જીવનનું આકર્ષણ જ ન રહ્યું. પ્રમાદી - સુખશીલ જીવન મને પસંદ પડી ગયું. મિથ્યાત્વ અને અવિરતિના દુર્ગમ મોરચા ઉપર ઉલ્લેખનીય વિજય પામનારો હું પ્રમાદના મોરચે હારતો જાઉં છું. મારી આત્મ-ભૂમિ ઉપર કર્મશત્રુઓનો અધિકાર જામતો જાય છે. મારે હવે જાગૃત થવું જોઈએ. મેં જાગૃત થઈને નિદ્રા ઓછી કરી. વિકથાઓનો ત્યાગ કર્યો. ઈન્દ્રિયોના વિષયો પણ ઓછા કર્યા. તપ અને ત્યાગ કરવા લાગ્યો. સ્વાધ્યાય પણ કરું છું.
આમ છતાં મારી ઉપર કષાયોનું ગજબનું પ્રભુત્વ છે ! કશુંક પણ ન ગમતું થાય છે અને હું ધ્રુજી ઊઠું છું. ક્રોધની સામે ક્ષમાનો ભાવ ટકતો નથી. રોષ અને રીસ તો જાણે કે સ્વાભાવિક જ થઈ ગયાં છે. માન-અભિમાનનો તો પાર જ નથી. કોઈ મારું જરાક પણ અપમાન કરે તો હું સળગી ઊઠું છું. અભિમાન બેહદ , માયા-કપટ સાથ છોડતાં નથી. મનમાં અલગ - વાણીમાં અલગ અને આચરણમાં કંઈક જુદું જ. લોભદશાની પ્રબળતાએ મને માયાવી બનાવી દીધો છે. આવા ક્રોધ, માન, માયા અને લોભને કારણે અનંત અનંત કર્મોનો પ્રવાહ મારા આત્મામાં નિરંતર વહેતો આવે છે. મારે આ પ્રવાહને જલદીથી રોકવો જોઈએ.
પરંતુ રોકું કેવી રીતે? મન આર્તધ્યાનનો સંગ છોડે તો જ રોકી શકું ને? મન આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરતું નથી. પાપના વિચારોમાંથી મન મુક્ત થતું નથી. પાપવિચારો કરે છે મને અને એની સજા ભોગવવી પડે છે આત્માને! પાપવિચારો કરી કરીને હું કેવાં ચીકણાં અને ભારે કર્મ બાંધી રહ્યો છું? આ મારું કેવું દુર્ભાગ્ય છે? પાપવિચારો કોઈ કોઈ વાર મારી વાણીને પણ અસત્ય અને અભદ્ર કરી મૂકે છે. હું બોલવાનું બોલી બેસું છું, પછી ભલેને મારે પાછળથી પસ્તાવું પડે. હું ક્ષમા પણ માગી લઉં, પરંતુ હું વાણીને સંયમમાં રાખી શકતો નથી એ એક સત્ય હકીકત છે. આને લીધે હું નવાં નવાં પાપકર્મો બાંધતો જાઉં છું.
કાયાથી, પાંચે ઈન્દ્રિયોના માધ્યમથી પણ હું એવાં ખોટાં કાર્યો કરતો જાઉં છું, જેને લીધે અનંત અનંત પાપકર્મો બંધાતાં જાય છે દરરોજ. હરક્ષણ આ રીતે નવાં કેટલાંય કમ હું બાંધી રહ્યો છું. એ વિચાર મને કંપાવી જાય છે.
જાણું છું કે તમામ દુઃખોનું મૂળભૂત કારણ પાપકર્મો જ છે. દુખ નથી ઇચ્છતો, તો પણ પાપાચરણ છોડી શકતો નથી. પાપ કરતો જાઉં છું. તો પછી દુઃખોથી મારો છુટકારો થઈ પણ કેવી રીતે શકે ? મારું મન સુદ્રઢ બને, પરમાત્માની અને ગુરુજનોની મારી ઉપર એવી કૃપા વરસે કે હું આ આસવ-દ્વારોને બંધ કરવા માટે સમર્થ થઈ જાઉં અને નવાં બંધાતાં કર્મોનો પ્રતિકાર કરી શકું.
આસવ ભાવના
૯૯