________________
થઈ જાય છે. બરાબર એ જ પ્રકારની સ્થિતિ જીવાત્માની થાય છે.
અનાદિ કાળથી આ ક્રમ ચાલ્યો આવે છે. થોડીક મહેનત કરીને જલદી જલદી જીવ - તળાવમાંથી કર્મોનું પાણી બહાર કાઢી નાખે છે. એટલામાં તો આ આસવો તળાવમાં બીજાં કર્મોનાં પાણી ભરી દે છે! જાણે કે આસવો આત્માના ઘોર શત્રુઓ હોય એ રીતે વર્તી રહ્યા છે. શું કરવું? કેવી રીતે આસવોને રોકવા? અને જ્યાં સુધી આસવોને રોકવામાં ન આવે ત્યાં સુધી જીવની સંસારમાંથી મુક્તિ કેવી રીતે થાય?
જ્યારે જ્યારે આ વિષયમાં ચિંતન-મનન કરું છું ત્યારે ગહન વિષાદમાં ડૂબી જાઉં છું. આત્મચિંતનમાં ડૂબી જાઉં છું. આસ્રવ ભાવનાનું ચિંતન :
એક તો કર્મોથી બંધાયેલો છું અને નવાં નવાં કર્મોથી બંધાતો જાઉં છું. ગત જન્મોમાં જ્યારે મારો આત્મા ઘોર મિથ્યાત્વનાં કાળાં વાદળોથી ઘેરાયેલો હતો, ત્યારે તે અનંત અનંત કર્મોથી ભરાઈ ગયો હતો.
વર્તમાન જીવનમાં પરમ કૃપાનિધિ પરમાત્માની અસીમ કૃપામારી ઉપર વરસી, વત્સલતાના સાગર જેવા સદ્ગુરુઓના આશીર્વાદિ વરસ્યા અને ઘોર મિથ્યાત્વનાં વાદળો દૂર થવા લાગ્યાં. સમ્યગુદર્શનનો ઝગમગતો સૂર્ય મારી આત્મભૂમિને પ્રકાશિત કરતો રહ્યો. સર્વજ્ઞ શાસન નિદર્શિત તત્ત્વોથી કરાવવામાં આવેલા વિશ્વદર્શન પ્રત્યે મારા દિલમાં શ્રદ્ધાનાં દીપકો પ્રજ્વલિત થઈ ઊઠ્યા, તો પણ મારાં પાપાચરણો છૂટી શક્યાં નહીં!
હેય-ઉપાદેયનો બોધ થવા છતાં પણ હું ત્યાજ્યનો ત્યાગ કરી ન શક્યો, સ્વીકાર્યનો સ્વીકાર કરી ન શક્યો. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ ઈત્યાદિ પાપો આચરતો રહ્યો અને નવાં નવાં પાપકર્મો બાંધતો રહ્યો. જે પાપોનું આચરણ હું કરતો ન હતો. એ પાપોની અપેક્ષાઓ પણ મારી અંદર દબાયેલી પડી રહ્યા જેવી જ હતી. હું પ્રતિજ્ઞાપૂર્વક પાપનો ત્યાગ કરી ન શક્યો. આ “અવિરતિ’ નામનું આસ્રવદ્વાર ખુલ્લું રહ્યું અને એ દ્વારથી કર્મોનો પ્રવાહ આત્મ-સરોવરમાં અવિરત વહેતો જ
રહ્યો.
વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો અને નિર્ગસ્થ ગુરુઓનો અનુગ્રહ થયો મારી ઉપર અને આત્મવીર્ય ઉલ્લસિત થયું અને મેં પ્રતિજ્ઞાપૂર્વક પાપોનો ત્યાગ કર્યો. હું સર્વવિરતિ ધારણ કરનાર શ્રમણ બન્યો. શ્રમણ જીવનનો સ્વીકાર કર્યો, અવિરતિનું આસવ-દ્વાર બંધ થઈ ગયું, પરંતુ પ્રમાદને આધીન બનીને હું ફરીથી ભટકાઈ પડ્યો. નિદ્રા અને વિકથાના પ્રમાદમાં ફસાઈ ગયો. જ્ઞાન-ધ્યાનમાં મારું મન લાગ્યું નહીં. સ્વાધ્યાય અને વૈયાવચ્ચ આદિ સંયમયોગોમાં પ્રમાદી બનતો ગયો.
શાન્ત સુધારસ : ભાગ ૨