________________
અશુચિમય શરીરને “મહાભાગ્યશાળી' કહી શકાય એવી કળાંની બાબતમાં તું વિચાર કર.
આવી કળા જિનાગમોમાં છે - શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય છે એટલા માટે એવાં શાસ્ત્રોનાં સરોવરો પાસે, એ સરોવરોને કિનારે બેસવું પડશે. એટલે કે શાસ્ત્રોનું અધ્યયન - પરિશીલન કરતાં એવી દિવ્યકળા પ્રાપ્ત કરી શકાશે, શાંતસુધાનો આસ્વાદ કરી શકશો. એનાથી માનવતન અને મન બંને પાવન થશે. જિનઆગમ એટલે કે જિનવચન. જિનવચનોનું એવું દિવ્ય જળાશય છે કે જેના જળપાન તો શાન્તસુધાનો અનુભવ કરાવે છે, પરંતુ એ જળાશયને સ્પર્શ કરતો પવન પણ પરમશાન્તિનો અનુભવ કરાવે છે.
‘જ્ઞાનસાર’માં ઉપાધ્યાય યશોવિજયજી કહે છે -
अज्ञानाऽहिमहामन्त्रं स्वाच्छन्द्यज्वरलंघनम् । धर्मारामसुधाकुल्यां शास्त्रमाहुर्महर्षयः ॥
ઋષિશ્રેષ્ઠોએ શાસ્ત્રોને, આગમને અજ્ઞાનરૂપ સર્પનું વિષ ઉતારનાર મહામંત્ર, સ્વચ્છંદતારૂપ્ જ્વરને ઉતારનાર ઉપવાસ સમાન અને ધર્મરૂપ ઉદ્યાનને નવપલ્લવિત રાખવા માટે નીક સમાન કહ્યાં છે.
એનું તાત્પર્ય એ છે કે આગમરૂપ મહામંત્રનો જાપ કરો, તો સ્વચ્છંદતાનો જ્વ૨ ઊભી પૂંછડીએ ભાગી જશે અને આગમરૂપ સુધાની નીકને ખુલ્લી મૂકી દો, તો ધર્મોદ્યાન - આત્મોદ્યાન નવપલ્લવિત થઈ જશે.
જો આ તથ્યોને પરિલક્ષિત કરીને, આગમગ્રંથોનો, જિનવચનોનો અધ્યાય શરૂ કરશો, તો નિઃસંદેહ તમારો આત્મા અપૂર્વ પરિવર્તન પામશે. ઝેર ઊતરી જતાં, જ્વર દૂર થઈ જતાં અને ધર્માંધ્યાન ફાલ્યોફૂલ્યો જોઈને તમને જે આનંદ થશે એની કલ્પના કરો. ધર્માંધ્યાન નવપલ્લવિત થતાં તમારાં દિલ-દિમાગ ખીલી ઊઠશે. આખો જમાનો તમને હસતો-રમતો નજરે પડશે. ૫રમ શાન્તસુધાનું પાન કરતાં આ માનવજીવનની સાર્થકતા અનુભવશો.
આગમ - જેનો અર્થ સ્વયં તીર્થંકર ભગવંતોએ બતાવ્યો છે એને ગણધર ભગવંતોએ લિપિબદ્ધ કર્યો છે અને પૂર્વાચાર્યોએ જેના અર્થને લોકભોગ્ય બનાવ્યો છે, તેનું નિરંતર - નિયમિતરૂપે અધ્યયન-મનન-ચિંતન કરવું જોઈએ.
આ રીતે આજે ‘અશુચિ ભાવના'નું વિવેચન પૂર્ણ કરું છું. હવે સાતમી ‘આસ્રવભાવના’ ઉ૫૨ પ્રવચન શરૂ થશે.
આજે બસ, આટલું જ.
અશ્િચ ભાવના
૯૫