________________
મારી પત્નીને ભયંકર ગુસ્સો આવ્યો. હું ત્યાંથી ભાગ્યો. તે મારી પાછળ દોડી. એના હાથમાં ગરમ ગરમ ઘીની કઢાઈ હતી. તેણે મારા શરીર ઉપર એ ઘી નાખી દીધું ! મારું શરીર બળવા લાગ્યું. મારા મુખમાંથી તીવ્ર ચીસ નીકળી ગઈ; હું મારા પિતાજી પાસે ગયો. ઉપચાર કરાવ્યા બાદ સારું થતાં - હવે મારું મન વિરક્ત બન્યું હતું. જો કે મગધસેના મને પ્યાર કરતી હતી - હ્રદયથી પ્યાર કરતી હતી. પરંતુ હવે મને સંસારનાં તમામ સુખભોગો પ્રત્યે નફરત થઈ ગઈ હતી. મેં ચારિત્રધર્મ સ્વીકારવાનો નિર્ણય કર્યો.
“હે મંત્રીશ્વર, હું પૂજ્ય સુસ્થિતાચાર્યજીની પાસે પહોંચ્યો, તેમણે મને ચારિત્ર આપ્યું - આ મારા પૂર્વજીવનની યાદ આવી જતાં મારા મુખેથી ‘ભયાદ્ભયમ્' શબ્દ નીકળી ગયો.”
અભયકુમારને સાચે જ ચૌનકમુનિના પૂર્વજીવનની વાત દુઃખદર્દથી ભરેલી જણાઈ - તેમણે મુનિરાજને કહ્યું : ‘હે મુનિરાજ, આપે ચારિત્રધર્મનો સ્વીકાર કરીને માનવજીવનને સફળ બનાવ્યું છે. ભીષણ ભવસાગરમાંથી તરી જવા માટે ચારિત્રધર્મ જ જહાજ છે.’
એક રાતમાં ચાર-ચાર મુનિવરોની રોમાંચક આત્મકથાઓ સાંભળીને અભયકુમારનું મન સંસારમાંથી, વૈષયિક સુખોમાંથી વિરક્ત થઈ ગયું હતું. પ્રાતઃ પૌષધવ્રત પાળીને, વૈરાગ્યની મસ્તી પામીને તે રાજમહેલમાં પહોંચ્યા. તમે લોકો પણ વૈરાગ્યની મસ્તી પામીને ઘેર પાછા ફરશો ને ? હૃદયમાં કંઈ હલચલ થઈ ?
મનુષ્યભવનાં દુઃખ :
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મનુષ્યજન્મનાં દુઃખોનું વર્ણન કરતાં કહે છે ઃ सहित्वा सन्तापानशुचिजननीकुक्षिकुहरे,
ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासैर्यावत् स्पृशति कथमप्यर्तिविरतिं, जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ॥ ३ ॥
માતાના અશુચિમય ઉદરમાં આવીને નવ-નવ માસ સુધી કષ્ટ સહન કર્યાં. એના પછી જનમની પીડા સહન કરી. મોટાં મોટાં કષ્ટો સહન કરતાં ક્ષણિક અને કલ્પિત સુખ, વૈયિક સુખ મળતાં લાગ્યું કે ‘ચાલો દુઃખથી છુટકારો મળી ગયો; એટલામાં તો મોતની સહચરી જરાવસ્થા - વૃદ્ધાવસ્થા આવી પહોંચી અને કાયા જર્જરિત થઈ ગઈ ! મૂલ્યવંત મનુષ્યભવ કોડીના મૂલે પૂરો થઈ ગયો.'
મનુષ્યભવનાં પ્રમુખ દુઃખ આ શ્લોકમાં બતાવવામાં આવ્યાં છે. પહેલું દુઃખ છે
શાન્તસુધારસ ઃ ભાગ ૧
૧૯૦