________________
શ્રી પ્રભાવક ચરિત્ર
શ્રી આર્ચરક્ષિતસૂરિ ચરિત્ર
જેમનો કહેલ ધર્મ આંતરિક શત્રુઓનું જડમૂળથી નિકંદન કરે છે, એવા શ્રીમાનું આર્યરક્ષિતસૂરિ ભવ્યાત્માઓનું નિરાબાધપણે રક્ષણ કરો. અમૃત સમાન જેમનું ચરિત્ર કહેવાને બુધજનો પણ અસમર્થ છે, તો કૌશલ્ય રહિત મારી મતિ તેમાં શું ગતિ કરી શકે? તથાપિ તેમના ગુણોથી આકર્ષાઇને હું, તિમિર (અજ્ઞાન) સમૂહનો નાશ કરવામાં સૂર્ય સમાન એવા શ્રી આર્યરક્ષિતસૂરિનું ચરિત્ર રચું છું.
સદા આનંદની બહુલતાથી અમરાવતીને પરાભવ પમાડનાર તથા અવંતિ રૂપ કાંતાની કટિમેખલા સમાન દશપુર નામે નગર છે. ત્યાં નવીન ચંદ્રમા સમાન ઉદાયન નામે રાજા. છે કે જે કલંકના સ્થાનભૂત નથી, રાહુથી અગ્રાહ્ય છે. તથા તેની કળા નષ્ટ થતી નથી. ત્યાં પુરોહિતના પદથી પ્રતિષ્ઠા પામેલ, વિશિષ્ટ બુદ્ધિવાળો, વર્ણમાં ઉત્તમ, કુળમાં શ્રેષ્ઠ, ક્રિયામાં શ્રદ્ધા ધરાવનાર અને કલાનિધિ એવો સોમદેવ નામે પુરોહિત હતો કે જેણે પોતાના બુદ્ધિબળથી બધા શત્રુઓને શાંત પાડી દીધા હતા, તેથી તેના સમૂહ તો માત્ર રાજ્યની શોભા માટે જ હતો. તેની રૂદ્રસોમા નામે પ્રિયા હતી કે જેણે પ્રિય વચનપૂર્વક અર્થીજનોને મનોવંછિત દાન આપવાથી તેમના દારિયને દૂર કરી દીધું હતું. સૂર્ય અને ચન્દ્ર જેવાં તેમને બે પુત્રો યુગલરૂપે ઉત્પન્ન થયા. તેમાં પ્રથમ આર્યરક્ષિત અને બીજો ફલ્યુરક્ષિત હતો. પુરોહિતે તે બંનેને અંગસહિત વેદ ભણાવ્યા. પોતાના વિનીત પુત્રો પાસે પોતાની સમૃદ્ધિને કોણ છુપાવે ? છતાં શાસ્ત્રામૃતને વિષે અતૃપ્ત રહેલ આર્યરક્ષિત પોતે વિદ્વાન થયા છતાં તે કરતાં અધિક ભણવાની ઇચ્છાથી તે પાટલીપુત્ર નગરમાં ગયો. ત્યાં દિવ્ય બળની સ્કૂર્તિથી અલ્પ કાળમાં ભારે બુદ્ધિશાળી એવા તેણે ગુપ્ત વેદોપનિષદનો પણ અભ્યાસ કરી લીધો. પછી ઉપાધ્યાયની અનુજ્ઞા મેળવીને તે પોતાના વતન તરફ પાછો ફર્યો અને અશ્વારૂઢની જેમ તે પોતાના નગરના પાદરે પહોંચ્યો. ત્યારે . પુરોહિતે રાજાને નિવેદન કરતાં વૃત્તાંત જાણીને રાજા પોતે હસ્તી પર આરૂઢ થઈને તેની સામે આવ્યો અને તે મહોત્સવપૂર્વક તેણે આર્યરક્ષિતને નગરમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં વૃદ્ધ કુલીન સ્ત્રીઓએ પ્રતિગૃહે આપેલ શુભ આશિષો સાંભળતાં પાછલા પહોરે તે પોતાના ગૃહાંગણે આવ્યો.
હવે રૂદ્રસોમાં તેની માતા જીવાજીવાદિક નવતત્ત્વના વિસ્તારને જાણનાર શ્રાવિકા હતી. તે વખતે એ સામાયિકમાં હોવાથી, ઉત્કંઠાયુક્ત અને જમીન સુધી મસ્તક નમાવીને પ્રણામ કરતા પુત્રને જોઈને પણ તેણે સામાયિક ભંગના ભયને લીધે આશિષથી વધાવ્યો નહિ. આથી અત્યંત ખેદ પામેલ બુદ્ધિમાન આર્યરક્ષિત વિચાર કરવા લાગ્યો કે – “અભ્યાસ કરેલ બહુ શાસ્ત્ર પણ મારે મન તુચ્છ જેવું છે કે જેથી મારી માતા તો સંતોષ જ ન પામી.” એમ ધારીને તે કહેવા લાગ્યો કે – “હે માતા ! તને કેમ સંતોષ ન થયો ?'
ત્યારે તે બોલી – ‘દુર્ગતિને આપનાર તારા એ અભ્યાસથી હું શી રીતે સંતુષ્ટ થાઉં ? ત્યારે આર્યરક્ષિતે કહ્યું – “તો હવે વિલંબ કર્યા વિના મને આજ્ઞા કરો કે જે અભ્યાસથી તને સંતોષ