________________
શ્રી આર્યરક્ષિતસૂરિ ચરિત્ર
93
થાય, તે કરું. બીજા કાર્યનું મારે શું પ્રયોજન છે?'
એમ સાંભળતાં હર્ષથી રોમાંચને ધારણ કરતી અને પુત્રવતી અમદાઓમાં પોતાને પ્રધાન માનતી એવી રૂદ્રસોમાં કહેવા લાગી કે – “હે વત્સ ! ચોતરફથી પ્રગટ થતા ઉપદ્રવને નષ્ટ કરનાર તથા અન્ય મતાવલંબીઓના જાણવામાં ન આવેલ એવા જિનભાષિત દૃષ્ટિવાદનો તું અભ્યાસ કર.'
દૃષ્ટિવાદનું નામ સાંભળી આર્યરક્ષિત વિચારવા લાગ્યો કે – “અહો ! દૃષ્ટિવાદ એ નામ પણ કેવું સુંદર છે. માટે હવે મારે એ જ અવશ્ય કરવાનું છે.” એમ નિશ્ચય કરીને તેણે કહ્યું કે – “સર્વ તીર્થોમાં શિરોમણિ એવી હે માતા ! મને તેનો અધ્યાપક બતાવો કે જેથી તેની પાસે હું સત્વર અભ્યાસ શરૂ કરું.”
ત્યારે રૂદ્રોમાં કહેવા લાગી કે – ‘વિનયવંત હે વત્સ ! તારા હું ઓવારણા લઉં, હવે સાવધાન થઈને તું સાંભળ–અબ્રહ્મ અને પરિગ્રહના ત્યાગી, મહાસત્ત્વવંત, પોતાના અંતરમાં પરમાર્થબુદ્ધિ ધરાવનાર, સજ્ઞાનના નિધાન એવા જૈનમુનિ તોસલિ પુત્ર એ ગ્રંથના જ્ઞાતા છે, તે અત્યારે તારા ઇક્ષુવાટક (શેલડીના વાડા) માં છે. તો હે નિર્મળમતિ ! તેમની પાસે તું એ ગ્રંથનો અભ્યાસ કર, કે જેથી તારા ચરિત્રથી મારી કુક્ષિ શીતલ થાય.'
એમ સાંભળતાં “પ્રભાતે જઈશ.” એમ કહીને તે અભ્યાસની ઉત્કંઠામાં તેણે રાત ગાળી. પછી પ્રભાત થતાં તે બહાર નીકળ્યો. એવામાં અર્ધમાગે તેના પિતાનો એક બ્રાહ્મણ મિત્ર તેને સન્મુખ મળ્યો. તે આર્યરક્ષિત માટે શેલડીના સાડાનવ સાંઠા સ્કંધ પર લઈ આવતો હતો. તેણે નમસ્કાર કરતાં આર્યરક્ષિતને પ્રીતિપૂર્વક આલિંગન આપ્યું. અને કહ્યું – ‘તું પાછો ઘરે ચાલ.' છે ત્યારે તે બોલ્યો – “માતાના આદેશથી હું જઈને પાછો સત્વર આવીશ. તમે હમણાં મારા બંધુને સંતુષ્ટ કરવા ઘરે જાઓ.' એમ કહીને તે આદરપૂર્વક ઇમુવાડા તરફ ચાલ્યો. જતાં જતાં આર્યરક્ષિત વિચારવા લાગ્યો કે- “અહો ! આ શ્રેષ્ઠ દૃઢ નિમિત્તથી એ ગ્રંથોના હું સાડાનવ અધ્યાય અથવા પરિચ્છેદ અવશ્ય પામી શકીશ. પણ તે કરતાં અધિક તો નિશ્ચય ન જ પામું.' પછી પ્રભાતના સંધ્યા સમયે ત્યાં મુનિઓના સ્વાધ્યાય–ધ્વનિથી અદ્વૈત શબ્દ સાંભળતાં તે ઉપાશ્રયના દ્વાર પાસે બેસી ગયો. ત્યાં જૈનમતના વિધિથી તે તદ્દન અજ્ઞાત હોવાથી ‘હવે કરવું? તેનો ખ્યાલ ન આવવાથી તે જડ જેવો બની ગયો. એવામાં આચાર્ય મહારાજને વંદન કરવા આવનાર એક ઢઢ્ઢર નામે શ્રાવક તેના જોવામાં આવ્યો. તેની પાછળ પાછળ રહીને તેની માફક તે મહામતિએ પણ વંદનાદિક કર્યું. કારણ કે તેવા સુજ્ઞોને શું દુષ્કર હોય? સર્વ સાધુઓને વંદન કર્યા પછી અશિક્ષિતપણાને લીધે તેણે શ્રાવકને વંદન ન કર્યું. કારણકે ન જણાવેલ કેટલું જાણી શકાય? તે વખતે એ લક્ષણથી આચાર્ય મહારાજે તેને નવીન જાણીને આદરથી પૂછયું કે – “હે ભદ્ર ! તને ધર્મની પ્રાપ્તિ ક્યાંથી થઈ ?'
ત્યારે તે ઢટ્ટર શ્રાવકને બતાવતાં બોલ્યા કે – “આ ઉત્તમ શ્રાવકથી જ.’ એમ તે કહે છે, તેવામાં એક મુનિએ તેને ઓળખી લીધો, અને જણાવ્યું કે- ‘ગઈ કાલે રાજાએ મહોત્સવપૂર્વક જેને નગરમાં પ્રવેશ કરાવ્યો તે આ પુરોહિતનો અને રૂદ્રસોમાં શ્રાવિકાનો પુત્ર છે. એ ચતુર્વેદી (ચાર વેદને જાણનાર) અને સમસ્ત મિથ્યાત્વીઓમાં મુખ્ય છે. એનું અહીં આગમન સંભવતું નથી, છતાં શા કારણે એ અહીં આવેલ છે તે સમજાતું નથી.